ઉનાળા વેકેશનની શરૂઆત સાથે જ બાગ બગીચામાં જતાં લોકોની સંખ્યા વધવા લાગી છે. આ વચ્ચે શહેરના વિવિધ બાગ બગીચાની બિસ્માર સ્થિતિ જોવા મળી રહી છે.
હાલમાં જ ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં આવેલા ગાયત્રી ઉદ્યાન ઉજ્જડ બની ગયેલું જોવા મળી રહ્યું છે. જેમાં ગંદકીના કારણે આસપાસના બાળકો તેમાં મુલાકાત પણ લઈ શકે તેમ નથી. જ્યારે ઠેર-ઠેર પેવર બ્લોક ઉખડી ગયા છે. જ્યારે આ માટેની સ્થાનિકોની ફરિયાદ સાંભાળવા માટે પણ કોઈ જ અધિકારી ત્યાં હાજર રહેલા નથી.
ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં આવેલા ગાયત્રી ઉદ્યાનની થોડાં સમય પહેલાં જ રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં નવા નવા સાધનો મુકવામાં આવ્યા નથી. જેના કારણે ત્યાં આવતાં બાળકોને પણ યોગ્ય પૂરતી રમતગમતની સુવિધા મળી રહી નથી. આ તરફ બાગની અંદરના પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. જ્યારે પાણીના સિંચાઈની પણ વ્યવસ્થા પૂરતી કરવામાં આવી નથી અને તેથી વૃક્ષો અને છોડ પણ સુકાઈ ગયા છે. એટલું જ નહીં બાગની અંદર યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતાં ઘણી ગંદકી જોવા મળી રહી છે. આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકો અને સિનિયર સિટિઝને જણાવ્યું કે, લાંબા સમયથી બાગની અંદર કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવી રહી નથી. બાગની જાળવણી માટે પણ પૂરતો સ્ટાફ ફાળવવામાં આવ્યો નથી. પીવાના પાણીની પરબ પણ હજી સુધી બનાવવામાં આવી નથી. જેના કારણે નાના બાળકોને પૂરતું પાણી મળી રહેતું નથી. આ અંગેની ફરિયાદ સાંભળવા માટે બાગમાં કોઈ જ હાજર રહેતું નથી. જ્યારે વોર્ડ ઓફિસમાં કે સ્થાનિક કોર્પોરેટરને પણ વારંવાર જણાવવામાં આવ્યું છતાં પણ કોઈ જ નિકાલ કરવામાં આવી રહ્યો નથી. આ કારણે લોકોની મુશ્કેલીને સાંભળનાર કોઈ જ રહ્યું ન હોવાનું જોવા મળી રહ્યું છે.