- સુરેન્દ્રનગરની મોહન ચાલીમાં મહિલાનાં મકાનમાં તસ્કરોનો હાથફેરો
- ગત જાન્યુઆરી માસમાં તેઓ ભાઈના ઘરે અમદાવાદ ગયા હતા
- મહિલાનાં પતિનું 3 માસ પહેલાં જ મરણ થયું હતું : પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગરના મિલ બંગલા સામે આવેલ મોહનચાલીમાં રહેતી મહિલાના પતિનું ત્રણ માસ પહેલા જ અવસાન થયુ હતુ. ગત જાન્યુઆરી માસમાં તેઓ ભાઈના ઘરે અમદાવાદ ગયા હતા. ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. અને ઘરની તિજોરીમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 40,500ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
સુરેન્દ્રનગરના મિલ બંગલા સામે મોહનચાલી આવેલી છે. જેમાં રહેતા 60 વર્ષીય ગીતાબેન કિશોરભાઈ રાવલના પતિ કિશોરભાઈનું ત્રણ માસ પહેલા જ અવસાન થયુ હતુ. ગત જાન્યુઆરી માસની 12 તારીખે ગીતાબેન અમદાવાદ રહેતા તેમના ભાઈ ભરતભાઈ મહેતાના ઘરે ગયા હતા. તેમની દીકરી દીપીકાબેને તા. 25 જાન્યુઆરીએ ઘરને તાળુ મારેલુ જોયુ હતુ. ત્યારે તા. 30મી જાન્યુઆરીએ ઘરના તાળા તુટેલા હોવાની પડોશીઓ દ્વારા જાણ થતા ગીતાબેન અમદાવાદથી સુરેન્દ્રનગર આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા ઘરના દરવાજે તાળાના હુક તુટેલા હતા. અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડયો હતો. જયારે તિજોરી અને મંદિરમાં રાખેલ રોકડા રૂપિયા 25 હજાર અને સોનાની બુટી, સોનાની ચીપગાળી બંગડી, ચાંદીની માળા, ભગવાનને ચડાવેલા ચાંદીના છત્તર સહિત સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા 40,500ની મત્તા ચોરાઈ હોવાની જાણ થઈ હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે તા. 8મી ફેબ્રુઆરીના રોજ ગીતાબેન રાવલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે.










