અમદાવાદના ફ્રૂટના હોલસેલ વેપારીનું અજાણ્યા શખસોએ અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગી મારમારતા ચકચાર મચી જવા પામી છે.
આ મામલે વેપારીએ એક યુવતી તથા તેની સાથેના દસથી પંદર અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અપહરણનો ભોગ બનેલા વેપારી વસીમ સબ્બીર મુઘલ (ઉવ.35 ) જુહાપુરા હરિયાલી સોસાયટીમાં રહે છે. તે અમદાવાદમાં ફ્રૂટના હોલસેલના વેપાર સાથે સંકળાયેલો છે. વસીમ પર 8 ફેબ્રઆરીએ અજાણ્યા નંબર પરથી યુવતીનો ફોન આવ્યો હતો.
યુવતીએ પોતાની ઓળખ કાયનાત સૈયદ તરીકે આપી નોકરીની જરૂરિયાત હોવાની વાત કરી હતી. વસીમે તેને બાયોડેટા અને ઇન્ટરવ્યૂ આપવાની વાત કરતા યુવતીએ પોતાને આ પ્રકારની કોઇ બાબત આવડતી ન હોવાનું કહી પોતાને શીખવવા માટે કહ્યુ હતું. ત્યારબાદ યુવતીએ વસીમને વોટ્સએપ કોલ અને સતત મેસેજ કરતી રહી હતી. વેપારી તેની આ જાળમાં ફસાયો હતો. ગત તા. 26ના રોજ રાત્રે વસીમ યુવતીને મળવા માટે ગુરુદ્વારા પહોંચ્યો હતો. જ્યાં સિંધુભવન રોડ પર કોફી પીધા બાદ યુવતીએ તેને ઘરે આવવા આમંત્રણ આપ્યુ હતું. જોકે, વસીમે ના પાડતા યુવતીએ તેને ઘરે મુકી જવા દબાણ કર્યુ હતુ.
યુવતી પોતે પેથાપુર રહેતુી હોવાનું કહેતા વસીમ તેને મુકવા માટે ઘ-6 સર્કલ પહોંચ્યો હતો. દરમિયાન યુવતી પર કોઇનો ફોન આવ્યો હતો. થોડીવારમાં એક અર્ટિગા કારમાં કેટલાક શખસો ધસી આવ્યા હતા. તેઓ પૈકી કેટલાકે પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના માણસો તરીકે આપી આ યુવતી છ મહિનાથી મીસીંગ હોવાનું કહીને વસીમને પોલીસ સ્ટેશને લઇ જવાની વાત કરી ગાડીમાં બેસાડયો હતો. આ શખસોએ વસીમની ગાડી ચલાવી તેને કડી કટોસણ ખાતે નર્મદા કેનાલ પાસે લઇ ગયા હતા. જ્યાં યુવતીને કારમાંથી ઉતાર્યા બાદ વસીમને ખેતરમાં લઇ જઈ માર માર્યો હતો અને એક કરોડની ખંડણી માગી હતી. વસીમે તેટલી ત્રેવડ ના હોવાનું કહેતા દસ લાખ માગ્યા હતા. વસીમે પૈસા માટે પ્રયાસ કર્યા પણ પૈસા હીં મળે તેમ લાગતા આ શખસોએ વસીમ પાસેથી સવા લાખનો મોબાઇલ, છસો દિરહામ, બાર હજાર રોકડ તથા 25 હજારની ઘડિયાળની લૂંટ ચલાવી હતી. બાદમાં મિત્ર પોલીસ સાથે પહોંચતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેણે કાયનાત સૈયદ સહિત અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે.