બલ્ગેરીયન યુવતી સાથે દુષ્કર્મ અને જાતીય સતામણી અંગેના કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસને વધુ તપાસ માટે વધુ એક વખત એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું છે. કોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસને આ કેસની તપાસ માટે તા.10મી ડિસેમ્બર સુધીનો સમય વધારી આપ્યો હતો. નોંધનીય છે કે, ગ્રામ્ય કોર્ટ દ્વારા આ કેસમાં પોલીસને વધુ તપાસ માટે આ બીજીવાર એક્ષ્ટેન્શન અપાયું છે.
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ એ સમરી રિપોર્ટ સામે એડવોકેટ રાજેશ મિશ્રાએ એક્ષ્ટેન્શન આપવા સામે વાંધો ઉઠાવીને કોર્ટને જણાવ્યુ હતું કે, તપાસનીશ અધિકારી યોગ્ય દિશામાં તપાસ કરતી નથી અને જૂન માસમાં કોર્ટે હુકમ કર્યો હોવા છતા પાંચ માસ સુધી સતત એક્ષ્ટેન્શન લેવામાં આવી રહ્યુ છે. ભોગ બનેલી બલ્ગેરિયન યુવતીએ તપાસનીશ અધિકારીને ઓનલાઈન તપાસમાં સહકાર આપીને નિવેદન આપ્યુ હતુ. જો કે, તપાસનીશ એજન્સી તપાસ કરવાની જગ્યાએ માત્ર સમય જ પસાર કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હોવા છતા પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ સમરી રિપોર્ટ ભરી દીધો હતો. જે સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કરીને વધુ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. આમ છતાં પોલીસ તપાસ કરતી નથી. જેથી આ બાબતે સીબીઆઈ મારફતે તપાસ કરવા માટે હાઈકોર્ટમાં રિટ અરજી કરી છે.જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. સોલા હાઇકોર્ટ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ માટે થોડો વધુ સમય આપવા માંગણી કરાઇ હતી, જેને ગ્રાહ્ય રાખતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ હુકમ કર્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ માટે અગાઉ એક્ષ્ટેન્શન મેળવાયા બાદ વધુ તપાસના ભાગરૂપે પોલીસે કેટલાક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. જે આ કેસમાં મહત્ત્વનો પુરાવો બની શકે છે. જો કે, ફરિયાદી પીડિતા તરફ્થી આ સાક્ષીઓને પ્રશ્ન પૂછવાની માંગણી કરાઇ હતી પરંતુ પોલીસે આવી મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
અગાઉ ઓગસ્ટ મહિનામાં આ કેસમાં વધુ તપાસ માટે બે મહિનાનો સમય આપ્યો હતો. આ પહેલાં કોર્ટે ગત તા.29-6-2024ના રોજ કોર્ટે પોલીસ દ્વારા આ કેસમાં રજૂ કરાયેલો કલોઝર રિપોર્ટ સ્વીકારવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો કે જેમાં રાજીવ મોદી અને કંપનીના કર્મચારી જોન્સન મેથ્યુને કલીનચિટ્ આપવામાં આવી હતી. પોલીસ તરફ્થી જણાવાયું હતું કે, આ લોકોની વિરુદ્ધમાં કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી.
ગૃહ વિભાગ પણ આ કેસમાં આંખ આડા કાન કરે છે
કેડિલાના એમડી રાજીવ મોદી સામેના દુષ્કર્મના ગંભીર આક્ષેપો, ફરિયાદોની તપાસમાં અમદાવાદ પોલીસ જે પ્રકારે ઠાગાઠૈયા અને પ્રમાદની નીતિ અપનાવી રહી છે તે જોતાં કોઈને પણ એવી દ્રઢ શંકા પડે કે ઠેઠ ગૃહ વિભાગના સ્તરેથી આખા મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અન્યથા એક મોખરાનું નામ ધરાવતા ઉદ્યોગપતિ સામે યુરોપના એક રાષ્ટ્રની યુવતી આટલા ગંભીર આક્ષેપો કરે, જેમાં દેશના વિદેશ મંત્રાલયને પણ એક તબક્કે સામેલ કરવામાં આવ્યું હોય તેમાં રાજ્યના ગૃહવિભાગ તરફથી આખી તપાસને તેના તાર્કિક પરિણામ સુધી પહોંચાડી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી ન દેવાય તે જ આંચકાજનક છે. સમરી રિપોર્ટમાં આ મુદ્દે પોલીસ દ્વારા ખામીઓ રખાઈ હતી. પર્સનલ આસિ. તરીકે બલ્ગેરીયન યુવતીને રાખવામાં આવી હતી પરંતુ તેનો કોઇ જ દસ્તાવેજી પુરાવા જ સામેલ નથી વિઝા જાતે મહિલાએ લીધા છે પરંતુ વોટ્સઅપ ડેટા સહિતના પુરાવા જોતા કંપની દ્વારા જ વિઝાની પ્રોસિજર કરવામાં આવી હતી તે અંગે કોઇ જ માહિતી નથી.બલ્ગેરિયન યુવતીનું પાન કાર્ડ બનાવવામાં આવ્યું છે તેનું એપ્લીકેશન ફેર્મમાં મહિલાની સહી બીજા કોઇએ કરી છે તેના પુરાવા પણ લેવાયા નથી.
બલ્ગેરિયન યુવતી દ્વારા કરવામાં આવેલ ઇ મેલની વિગતો પોલીસએ રિપોર્ટમાં દર્શાવી નથી. નાઇટ શિફ્ટ આપતા હતા તે અંગે દસ્તાવેજી પુરાવા તપાસનીશ અધિકારી દ્વારા રિપોર્ટમાં રજૂ કરાયા જ નથી પોલીસે સમરીમાં કહ્યું છે કે, જ્યાં દુષ્કર્મની ઘટના બનીનું કહેવાયું છે ત્યાં યુવતીએ બૂમાબૂમ કરી હતી પરંતુ કોઇએ સાંભળી જ નથી. પરંતુ ખરેખર વાસ્તવીકતા એવી છે કે, તે રૂમ સાઉન્ડ પ્રુફ્ હતા તે અંગે કોઇ જ તપાસ કરાઇ નથી. કોલ ડેટા રેકોર્ડની માહિતી પુરતી નથી, સીડીઆર માગ્યો છે પરંતુ તેનો રેકોર્ડ સમરી રિપોર્ટમાં રજૂ નથી કર્યો પોલીસની તપાસ કરી છે, જેમાં મહત્વના સાક્ષીઓના નિવેદનો જ રજૂ કરવામાં આવ્યા નથી.