પૂર્વ વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ ફટી નીકળેલા કથિત પત્રકારો સરકારી સસ્તા અનાજની દુકાનના વેપારીને ધમકી આપીને દર મહીને લાખો રૂપિયાની વસુલી કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.


ત્યારે શ્રી મહિલા વિવિધલક્ષી વિકાસ મંડળી સંચાલિત સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતી મહિલા પાસે પાંચ કથિત પત્રકારોની ટોળકીએ ધાર્મિક ફળાના નામે રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પાંચ બોગસ પત્રકારો સામે ફરિયાદ નોંધાવી છે.

બાપુનગરમાં રહેતા ભારતીબેન ટહેલીયાણી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધરાવી ધંધો કરે છે. જેમાં બે વર્ષ પહેલા મહિલાની દુકાને કથિત પત્રકાર ગૌતમભાઈ ઉર્ફે ગટુ ત્રિવેદી આવ્યો હતો. અને અમે ધાર્મિક ફળો ઉઘરાવીએ છીએ તમે તમારી ઈચ્છા અનુસાર ફળાની રકમ આપી શકશો. જેથી મહિલાએ તેની યથાશક્તિ મુજબ ધાર્મિક ફળો આપ્યો હતો. ત્યારબાદ કથિત પત્રકારની ટોળકીના અન્ય શખ્સો પણ આવવા લાગ્યા હતા અને મહિલા પાસે ધાર્મિક ફળાના નામે રૂપિયા પડાવવા લાગ્યા હતા. તોડબાજ પત્રકારોની ધમકીઓને વશ નહી થતા મહિલાની સસ્તા અનાજની દુકાન વિરુદ્ધ જે તે ખાતામાં ફરિયાદ અને આરટીઆઈ કરીને વિડીયો વાયરલ કરવાનું આ તોડબાજ ટોળકીએ શરૂ કરી દીધું હતું. એટલી હદે મહિલા વેપારીને હેરાન કરવામાં આવ્યા હતા. કંટાળીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગૌતમ ઉર્ફે ગટુ ત્રિવેદી, રાકેશ જોશી, અશોકસિંગ રાજપૂત, રમેશભાઈ રાવળ તથા જનકસિંહ નહેરા સામે ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: