અમદાવાદ મ્યુનિસિપસલ કોર્પોરેશન દ્વારા રામદેવનગરથી ઈસ્કોન જંક્શન પર ડબલ હાઈટનો ફ્લાય ઓવર બનાવવા અંગે સક્રિય વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે અને AMC દ્વારા હાલ આ હેતુસર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
સૂચિત ફ્લાય ઓવર બનાવવા માટે ઈસ્કોન મંદિર નજીક આવેલ હાઈ ટેન્શન વીજળીની લાઈનો ખસેડવી શક્ય છે કે નહીં, તે અંગે શક્યતા- ફિઝીબિલિટી ચકાસવામાં આવી રહી છે. રામદેવનગરથી ઈસ્કોન- આંબલી રોડ પર ઓવરબ્રિજ બનાવવા માટે રૂ. 250 કરોડથી વધુના ખર્ચનો પ્રાથમિક અંદાજ નક્કી કરાયો છે અને સર્વેની કામગીરી પૂરી થયા પછી AMC એન્જિનીયરિંગ વિભાગ દ્વારા ફ્લાય ઓવર માટે ખર્ચનો ફાઈનલ અંદાજ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. જો રામદેવનગરથી ઈસ્કોન જંક્શન પર ફ્લાય ઓવર બનાવવામાં આવશે તો તેના પરિણામે ઈસરોથી આંબલી રોડ પર અવર જવર કરનાર હજારો વાહનચાલકોને ફાયદો થશે અને ટ્રાફિક જામની સમસ્યાને કારણે વેઠવી પડતી હાલાકી દૂર થશે. રામદેવનગરથી ઈસ્કોન જંક્શન ખાતે ફ્લાયઓવર બનાવવા માટે વીજળીની હાઈ ટેન્શન લાઈનો અને રામદેવનગરથી ઈસ્કોન થઈ આંબલી રોડ પર આવેલા BRTS રૂટ અવરોધક બને તેવી શક્યતા છે. જો સૂચિત ફ્લાય ઓવર બનાવવામાં આવે તો બોપલ તરફ જતા આંબલી રોડ પરના BRTS રૂટ પર પિલ્લર ઉભા કરવા માટે BRTS રૂટ બંધ કરવો પડે અથવા ડાઈવર્ટ કરવો પડશે. ઉપરાંત રામદેવનગર, જોધપુર ચાર રસ્તાની પહોળાઈ ઓછી મળતી હોવાથી દબાણો ખસેડવા પણ જરૂરી બને તેવી શક્યતા છે. આંબલી રોડની પહોળાઈ 40 મી. છે જ્યારે રામદેવનગર- જોધપુર પાસે રોડની પહોળાઈ ત્રણ- ચાર મી. ઓછી હોવાથી જો આ ફ્લાયઓવર બનાવવામાં આવે તો દબાણો ખસેડવા પડે તેવી શક્યતા છે. રામદેવનગરથી ઈસ્કોન- આંબલી રોડ પર ફ્લાય ઓવર બનાવવા અંગે ટોરેન્ટ પાવર તેમજ AMCના એસ્ટેટ વિભાગ સાથે વિચારણા કરી મોડલ તૈયાર કરાશે.










