અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદે માઝા મૂકી હતી તેના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા, ઓફીસ જવાના સમયે પાણી ભરતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, તો બીજી તરફ કોર્પોરેશનની વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ છે.
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
અમદાવાદમાં વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા, વરસાદી પાણી ભરાતા શહેરીજનોને હાલાકી પડી રહી છે, સાથે સાથે બોડકદેવ, વસ્ત્રાપુર ,શિવરંજીની, શ્યામલ, ઇસ્કોન સહિતના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, વરસાદી પાણી ભરાતા શહેરીજનો ત્રસ્ત થયા છે અને કોર્પોરેશન સામે રોષ વ્યકત કર્યો છે, ચોમાસાની સિઝન હોય ત્યારે પણ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, ત્યારે કોર્પોરેશન લોકો સાથે ટેકસ તો વસૂલે છે સામે સુવિધાના નામે મીડું જોવા મળે છે.
અમદાવાદના અનેક વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો
અમદાવાદના ધોળકામાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો છે. ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદના નારોલ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતાં. ભરૂચમાં પણ જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના પ્રહલાદનગર, શ્યામલ, નારોલ,બોપલ,શેલા,વસ્ત્રાપુર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. બીજી તરફ ખંભાતમાં પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે. કચ્છમાં પણ રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ થયો છે. ધોળાવીરામાં કરા સાથે વરસાદ પડ્યો છે.









