હવે, પોલીસ સરઘસ નહી કાઢવા માટે પણ લાંચ માંગતી હોવાનો ઘટસ્ફોટ એસીબીની ટ્રેપમાં થયો છે. નિકોલ ગંગોત્રી રોડ પર પારીક હોસ્પિટલ સામે આવેલા કલ્પતરૂ સ્પામાંથી એસીબીએ સોમવારે અમનકુમાર સંજયકુમાર ચૌહાણ નામનાં ક્રાઈમબ્રાંચના કોન્સ્ટેબલને 65 હજારની લાંચ લેતાં ઝડપી લીધો હતો.
એસીબીની તપાસમાં ખુલેલી વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદી અને તેના મિત્રો વિરૂદ્ધ જુગારનો કેસ ના કરવા, સરઘસ ના કાઢવા અને માર ન મારવા માટે ચાર લાખની લાંચની માંગણી કરી હતી. જો કે, રકઝકના અંતે એક લાખ રૂપિયા નક્કી થયા બાદ આરોપીએ જે તે સમયે રૂ.35 હજાર લઈ લીધા અને બાકીની 65 હજારની રકમની માંગણી કરતા ટ્રેપ થઈ હતી.
એસીબીએ 65 હજારની લાંચની રકમ લેતા કોન્સ્ટેબલ અમનકુમાર સંજયકુમાર ચૌહાણને ઝડપી લઈને ક્રાઈમબ્રાંચના અન્ય કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે. સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ નિકોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અમન ચૌહાણ અગાઉ ફરજ બજાવતો હતો. બે મહિના પહેલા જ તેનું પોસ્ટીંગ ક્રાઈમબ્રાંચ થયું હતુ. આરોપી અમન ચૌહાણ પીઆઈ ડી.બી.પટેલના સ્કોડમાં ફરજ બજાવતો હોવાની વિગતો મળી છે. એસીબીને વિગતો મળી છે કે, લાંચ પ્રકરણમાં અમન સાથે નિકોલના કેટલાક પોલીસ કર્મચારીઓ હતા. આ મામલે અમન સાથે અન્ય કોઈ સંડોવણી છે તેની તપાસ કરી રહ્યા છે. ક્રાઈમબ્રાંચના ફરજ બજાવતા કોન્સ્ટેબલને ફરિયાદી બાકીના 65 હજાર આપવા માંગતા ન હતા બીજી તરફ આરોપી પૈસા માટે ધાકધમકી આપતો હતો. બનાવને પગલે ફરિયાદીએ એસીબીને જાણ કરતા કાર્યવાહી થઈ હતી.