એક તરફ નિકોલ પૂર્વનો ઝડપથી વિકસિત થઈ રહેલો વિસ્તાર છે. ત્યાં મહાત્મા ગાંધી (એમજી) રોડ વોલ-ટુ-વોલ ડેવલપ કરવા માટેની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે પરંતુ કામગીરી દરમિયાન ક્ષતિ રહેવાના કારણે ગટરો ઉભરાઈ રહી છે અને ગંદું પાણી બહાર આવી રહ્યું છે. લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે બીજી તરફ રોડ પહોળો કરવા માટેની કામગીરી પણ મંથરગતિએ ચાલી રહી હોવાના કારણે અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
નિકોલમાં સમય બંગ્લોઝથી સુપ્રિયા હોટલ રિંગ રોડ સુધીના એમજી રોડ ને વોલ-ટુ-વોલ ડેવલપ કરવાની છેલ્લા ત્રણ મહિનાથી તંત્ર દ્વારા ચાલુ કરેલી છે. જેના અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, આ રોડની કામગીરી જે કોન્ટ્રાકટરને સોંપવામાં આવેલી છે તેના દ્વારા રોડના ડેવલપ કરવાની કામગીરી ખૂબ મંથરગતિએ ચાલી રહી છે. તેમજ રોડ પર થોડાં અંતરે કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે. આ તરફ હોળી-ધુળેટીના કારણે 15 દિવસથી મજૂરો આવ્યા નથી જેના કારણે કામ અટકી ગયું છે. બીજી તરફ સમય બંગ્લોઝના દરવાજા આગળ છેલ્લા એક માસથી ગટરનું ગુંદું પાણી ગટરમાંથી બહાર આવતું હોવા છતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ તમામના કારણે સ્થાનિક નાગરિક ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેને જોવામાં રસ દાખવી રહ્યા નથી.










