ચોમાસા પહેલાં જ વરસાદના કારણે શહેરના પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે ગટરની સફાઈ અને ડ્રેનેજ લાઈન નાખવા માટેની કામગીરીના મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે.


આ વચ્ચે દાણીલીમડા, સોનાની ચાલી, અજીત મિલ, સરસપુર, નિકોલ, ન્યૂ ઈન્ડિયા કોલોની, સૈજપુરબોઘા, નરોડા, મેમ્કો, અમરાઈવાડી થી લઈ ઈસનપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઉતર્યા ન હતા. જેના કારણે સામાન્ય જતાને ભારે હેરાનગતિ જોવા મળી હતી. તેમજ લાંબા સમયથી ચાલતી ખારીકટ કેનાલમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. આ કારણે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ વચ્ચે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બજેટ દરમિયાન પાણી ન ભરાશે અને લોકોને ચોમાસામાં હાલાકી ભોગવવી ન પડશે તેવા દાવા કરવામાં આવી રહ્યા હતા તેનું ચિત્ર ચોમાસા પહેલાં જ સામે આવી ગયું છે.

બાપુનગરમાં કચરો ઉપાડતી ગાડી જ ખાડામાં ફસાઈ

બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમથી જનરલ હોસ્પિટલ જવાના માર્ગ પર ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડી રોંગ સાઈડ આવતા ખાડામાં ફસાઈ ગઈ હતી. રસ્તા પર ખાડા પડતાં બેસી જતા લોકોની મુશ્કેલી વધી હતી.

સૈજપુર બોઘામાં અંડર પાસ પાણીમાં ડૂબ્યું

મોડી રાતથી વરસેલા વરસાદમાં સૈજપુરબોઘામાં આવેલા અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ હતી.

ગિરધરનગર બ્રિજ નીચે પાણી ભરાઈ ગયું

શાહીબાગના ગિરધરનગર બ્રિજ નીચે વરસાદ બંધ થયા બાદ પણ ગટરના પાણીનો નિકાલ ન થવાના કારણે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં ત્યાંથી પસાર થતાં લોકોની મુશ્કેલી વધી હતી.

અજિત મિલ ચોકડી થોડાં જ વરસાદમાં ઊભરાઈ

દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની ફરિયાદ આવતી હોય છે. અજીત મિલ, સોનાની ચાલી સહિતના વિવિધ વિસ્તારોમાં મંગળવાર અને બુધવારે પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જેના સાથે તમામ દાવાઓ ખુલાલ પડી ગયા છે.

સરસપુર વ્હાઈટ ટોપિંગ રોડ પર પાણી ફરી વળ્યા

સરસપુર ચોકડી થી અનિલ સ્ટાર્ચ સુધીનો નવો જ બનાવેલો વ્હાઈટ ટોપિંગ રોડ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને સવારથી જ ટ્રાફિકમાં ફસાઈ જવાનો વારો આવ્યો હતો.

ખારીકટ કેનાલ ઊભરાઈ પાણી બહાર નીકળ્યા

પૂર્વને જોડતી ખારીકટ કેનાલ પર કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદના કારણે કેનાલની કામગીરીમાં પાણી ભરાઈ જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વિરાટનગર, ઠક્કરબાપાનગર, નરોડા સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

ઈસનપુર ચોકડી નજીક પાણી જ પાણી

દક્ષિણ ઝોનમાં ઈસનપુર ચોકડીથી એસપી રિંગરોડ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી.

હાટકેશ્વર બ્રિજ પરથી પાણી લીક થવા લાગ્યું

સામાન્ય વરસાદમાં જ હાટકેશ્વર બ્રિજ પરથી પાણી પડવાની સાથે જ બ્રિજ નીચે આશરો લેતા લોકો હેરાન થઈ ગયા હતા. લોકોમાં જોખમી બ્રિજ માટે રોષ જોવા મળ્યો હતો.

દાણીલીમડામાં ઘૂંટણ સુધી પાણી ભરાયા

સરકારી ગોડાઉન પાછળ આવેલા મુખી એપાર્ટમેન્ટમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. ત્યાં કમોસમી વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી ઉભી થઈ હતી. તંત્ર કામગીરી ન કરતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

નારોલમાં પાણી ભરાતા ટ્રાફિકજામ

શહેરની બહારના આઉટર રિંગરોડ પર પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો ટ્રાફિકમાં ફસાઈ જવાની સ્થિતિ ઉભી થઈ હતી. નારોલ મેઈન રોડ પર પાણી ભરાઈ જતાં લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

રૂક્ષ્મણી બેન હોસ્પિ. પાસે પાણી ફરી વળતાં હાલાકી

ખોખરામાં રૂક્ષ્મણી બેન સરકારી હોસ્પિટલથી હાટકેશ્વર સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની હાલાકી વધી હતી.

ઓઢવમાં આવેલા ગાયત્રી ઉદ્યાનમાં પાણી ભરાઈ ગયું

રસ્તા બાદ ઓઢવમાં આવેલા ગાયાત્રી ઉદ્યાનમાં પાણ ભરાઈ જવાના કારણે ત્યાં આવતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

  • Follow us on: