ગુજરાતની અનેક યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂકમાં ધારાધોરણ અંગે ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે, જેના લીધે શિક્ષણ વ્યવસ્થાને ભારે નુકસાન થઇ રહ્યું છે, યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યા છે અને બીજી બાજુ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિઓને શિક્ષણના હિતમાં તાત્કાલિક અસરથી દુર કરવા જોઈએ. આ આક્ષેપો સાથેની માગ કોંગ્રેસે કરી છે.
છેલ્લા 15 વર્ષમાં કહ્યાગરા કુલપતિઓની નિયુક્તિથી ગુજરાતનું ઉચ્ચશિક્ષણ ખાડે ગયું છે. એમ.એસ. યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ ડૉ. શ્રીવાસ્તવને કાર્યકાળ પૂરો થવાને માત્ર એક મહિનો બાકી છે ત્યારે અંતે રાજીનામું આપવાની ફરજ પડી છે. શ્રીવાસ્તવ જે સમયે કુલપતિ પદે નિયુક્ત થયા તે સમયે જ તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કુલપતિપદ માટે જરૂરી માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન અંગે પુરાવા સાથે ફરી યાદ થઈ હતી. શ્રીવાસ્તવને કુલપતિ બનવા માટે પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ ન હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર બાબત ખુલ્લી પડી જતાં અંતે ભાજપ સરકારે ચામડી બચાવવા રાજીનામું લઈને ઢાંકપીછોડો કરવાનું કામ કર્યું છે.










