અમદાવાદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. શહેરમાં વગર વરસાદે નિકોલ વિસ્તારમાં પાણી ભરાયાની ઘટના સામે આવી. નિકોલ વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો માર્ગો પર ભરાયેલ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. નિકોલમાં માર્ગો પર ભરાયેલા પાણી કોઈ ટેન્ક દ્વારા નથી છોડવામાં આવ્યા. અને ના તો આ વિસ્તારમાં ગરમીની સિઝનમાં વરસાદ થયો છે. પરંતુ માર્ગો પર જોવા મળેલ પાણી ગટરના હોવાનું સામે આવ્યું છે.
માર્ગો પર ફરી વળ્યા ગટરના પાણી
નિકોલ વિસ્તારના ગોપાલ ચોક પાસે ગટરના પાણી માર્ગો પર ફરી વળ્યા છે.ગોપાલ ચોક પાસે ડ્રેનેજની લાઈનોમાં સમસ્યાના કારણે રસ્તા પર ગટરના પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નિકોલ વિસ્તારમાં અવારનવાર સ્થાનિકો આ પ્રકારની મુશ્કેલીનો કરતા હોય છે. ગોપાલ ચોક પાસે ગટરના પાણી ભરાતા આસપાસની 30 સોસાયટીના સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં પણ મહામુસીબતે જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા તંત્રને આ સમસ્યાનો ઉકેલ લાવવા અનેક વખત રજૂઆત કરાઈ છે. છતાં પણ કોઈ કામગીરી ના કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
ગટરના પાણીથી રહીશોને બીમારીનો ભય
ગોપાલ ચોક વિસ્તારમાં રહેતા રહીશોની ફરિયાદ છે કે ગટરના પાણીના કારણે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. બાળકો પરીક્ષા આપવા શાળાએ જતાં આવા ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે લોકો પણ પોતાના કામકાજ અને ધંધાને લઈને મજબૂરીમાં ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે.ગંદા ગટરના પાણીમાંથી આવતી દુર્ગંધના કારણે રાહદારીઓ આ વિસ્તારમાંથી પસાર થવાનું ટાળે છે. તો ત્યાં રહેતા સ્થાનિકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. જો સ્થિતિમાં સુધાર નહીં થાય તો આગામી દિવસોમાં બાળકો અને વૃદ્ધો બીમારીને લપેટમાં આવી શકે છે. આમ, પણ અત્યારે ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુની સિઝન ચાલી રહી છે ત્યારે ગોપાલ ચોકમાં ગટરના પાણી માર્ગો પર ફરી વળતાં આસપાસ રહેતા રહીશો માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરે છે.









