• વિદ્યાર્થી સંખ્યાના આધારે ફી નક્કી કરતી વેળાએ ટકાવારીની મોડસ ઓપરેન્ડીના આક્ષેપ

  • મૂદત પહેલા હાંકી કાઢેલા CA ભરત પટેલે અંદાજે 3,800થી 4000 સ્કૂલોની ફી નક્કી કરી
  • અમદાવાદ ઝોનના બાળકોને મોંઘા શિક્ષણમાં ધકેલનાર FRC સભ્ય સામે ACB તપાસની માગ ઉઠી

અમદાવાદ ઝોનની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટી (FRC)માં છેલ્લા 10 મહિનાથી એક હથ્થુ શાસન ચલાવતાં સભ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલ સામે કરોડોની કટકીની ફરિયાદો ઉઠતા સરકાર દ્વારા તાત્કાલિક ટર્મિનેટનો ઓર્ડર કાઢવામાં આવ્યો છે.

સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા અને વિસ્તારના આધારે ફી નક્કી કરતી વખતે ટકાવારીની મોડસ ઓપરેન્ડી અપનાવાતી હોવાના આ સભ્ય સામે આક્ષેપો થયાં હતા. મૂદત પહેલા હાંકી કાઢેલા CA ભરત પટેલ દ્વારા અંદાજે 3,800થી 4,000 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં આવી છે. કમિશનના સોદા સાથે રાજ્યના બાળકોને મોઘા શિક્ષણમાં ધકેલનાર FRC સભ્ય સામે ACB તપાસની માગ ઉઠી છે. આમ ફી નિર્ધારણ કાયદો માત્ર કાગળ પર જ છે. કારણ કે, ફી નક્કી થાય એ પહેલા જ ખાનગી સ્કૂલો ઈચ્છા મુજબની ફીના ઉઘરાણા કરી લે છે.

ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને વ્યાજબી ફીમાં સારૂ શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા વર્ષ-2017માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ કુલ ચાર ઝોનની ચાર ફી રેગ્યુલેટરી કમિટી બનાવવામાં આવી હતી. કુલ 5 સભ્યની કમિટીમાં ચેરમેન તરીકે નિવૃત્ત જજ, જાણિતા શિક્ષણશાસ્ત્રી, ખાનગી શાળા વ્યવસ્થાપક મંડળમાથી પ્રતિનિધિ, સિવિલ ઈજનેર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિયુક્તિ કરવામાં આવે છે. અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં ગત સપ્ટેમ્બર-2023માં ત્રણ સભ્ય નિવૃત્ત થતા આ જગ્યા ખાલી પડી હતી. આ સિવાય ચેરમેન તરીકે જેઓ ફરજ બજાવતા હતા તે નિવૃત્ત જજ ઉદયકુમાર ભટ્ટ પણ 31મી મેના રોજ નિવૃત થયા છે. ઉદયકુમાર ભટ્ટની નિમણુક પહેલા અંદાજે 6 મહિના જેટલો સમય જગ્યા ખાલી પડી હતી. ટર્મિનેટ થયેલ સીએ ભરત પટેલની નિમણૂક ગત તા.20-5-2022ના રોજ કુલ ત્રણ વર્ષ માટે થઈ હતી. આમ માત્ર એક જ સભ્ય સીએ ભરત પટેલનું છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ સમિતીમાં એક હથ્થુ શાસન ચાલતુ હતુ. ફી નક્કી કરતી વખતે જે શાળાઓએ કાયદામાં નિયત ફી કરતાં વધુ વસુલવી હોય તો દરખાસ્ત કરવાની અને ઓછી હોય તો એફિડેવીટ કરવાનું થાય. શાળા દ્વારા જે દરખાસ્ત-એફિડેવીટ કરવામાં આવે તેની ચકાસણી સીએ ભરત પટેલ દ્વારા જ કરવામાં આવતી હતી.

કારણ કે, 10 મહિનાથી અન્ય ત્રણ સભ્યો કમિટીમાં હતા જ નહી. ફાઈનલ ઓર્ડરમાં સહી ચેરમેન દ્વારા કરવામાં આવતી હતી. સીએ ભરત પટેલ દ્વારા ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી વખતે તેમની પાસે કમિશનની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. કારણ કે, ખાનગી સ્કૂલોએ હવે શિક્ષણ એ સેવા નહી પરંતુ વેપાર બનાવી દીધો છે અને એ માટે ભરત પટેલ જેવા લોકો તેમના માટે આશિર્વાદરૂપ બનતાં હોવાના આક્ષેપ થયા છે. સીએ ભરત પટેલની ત્રણ વર્ષની મૂદત આગામી 20-5-2025ના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતાં ટર્મ પુરી થાય એનાં અંદાજે 10 મહિના પહેલા જ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાની એક સ્કૂલોની સાડા ચાર લાખ ફી મંજુર કરાઈ

ગાંધીનગર જિલ્લામાં આવતી એક ખાનગી સ્કૂલ કે જે ચાલુ વર્ષે જ શરૂ થઈ છે એની વાર્ષિક ફી રૂ.4.50 લાખ જેટલી અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા મંજુર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ સ્કૂલની ફી મંજુર કરવામાં પણ એફઆરસીના સીએ સભ્યની મોટી મિલીભગત હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ સિવાય અન્ય અનેક ખાનગી સ્કૂલોની ઊંચી ફી મંજુર કરાઈ છે. જે સ્કૂલોએ કમિશનની તૈયાર ન દર્શાવી હોય તેમની ફીમાં મોટો કાપ પણ મુકાતો હોવાના સંચાલકો દ્વારા આક્ષેપો કરાયા છે. નિયત ફી ઉપરાંત 16.6 ટકાનો વધારો તો આપો આપ થઈ જાય છે. બે ટર્મ ફી અને એક એડમિશન ફી સ્કૂલ વસુલી શકે એવી છુટ આપવામાં આવેલી છે.

  • Follow us on: