વિવેકાનંદમાં અહિયા કેમ ઉભા છો કહીને પાંચ શખ્સોએ બે યુવકોને દંડાથી ફ્ટકાર્યા હતા. જેમાં યુવક અને તેનો મિત્ર પિતાને ચાવી આપવા ગયા હતા તે સમયે કારચાલક આવ્યો હતો અને અહિયા કેમ ઉભા છો કહીને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આ અંગે યુવકે પાંચેય શખ્સો સામે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
હાથીજણમાં રહેતા જયદિપસિંહ રાઠોડ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 5 એપ્રિલે રાત્રીના સમયે તે અને તેનો મિત્ર યુવરાજસિંહ વાઘેલા તથા નરેન્દ્રસિંહ વાઘેલા રાધેશ્યામ સોસાયટી પાસે બેઠા હતા. ત્યારે યુવરાજસિંહ પર સંબંધી અનિરુધ્ધસિંહ ચૌહાણનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ કે સોસાયટીના નાકા પર ઝઘડો થયો છે તમે આવો. જેથી જયદીપ અને તેના મિત્રો બાઇક લઇને ગયા હતા. ત્યાં અનિરૂધ્ધસિંહે જણાવ્યુ કે તે અને રાજદીપ પિતાને ચાવી આપવા ગયા હતા. ત્યારે સોસાયટીના નાકે રોડની સાઇડમાં ઉભા હતા. તે સમયે ઇકો સ્પોર્ટ કારચાલક આવ્યો હતો. અને તેમાં બે શખ્સો હતા. જેથી બંને શખ્સોએ યુવકોને તમે કેમ અહિયા ઉભા છો કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં કારચાલકે અન્ય લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. બાદમાં પાંચ જેટલા શખ્સોએ ભેગા મળીને જયદિપ, અનિરુધ્ધ સહિત બે યુવકોને દંડાથી ફ્ટકાર્યા હતા. ત્યારે આજે તો તમે બચી ગયા છો કાલે છોડવાના નથી તેવી ધમકી આપી હતી. બાદમાં તપાસ કરતા સંજય ભરવાડ, જીગો ભરવાડ, મેહુલ ભરવાડ અને અજાણ્યા બે શખ્સો હતા. આ અંગે જયદિપસિંહે પાંચેય શખ્સો સામે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










