ગુજરાત પોલીસની સિટિઝન પોર્ટલ એપ છેલ્લા બે દિવસથી ખોટકાઈ હોવા છતાં પણ સમસ્યાનું બે દિવસથી કોઈ નિવારણ કરવામાં આવ્યું નથી. બે દિવસ બાદ પણ અધિકારીઓ આ મામલે અજાણ હોવાની વિગતો મળી રહી છે. નાગરિકોને જૂદી જૂદી 12 જેટલી સુવિધા પુરી પાડતા આ પોર્ટલમાં ખામી આવતા અનેક લોકો અટવાયા હતા.
ખાસ કરી પ્રેસ મીડિયાને આ પોર્ટલ દ્વારા રાજ્યમાં દાખલ થયેલી ફરિયાદો અંગેની માહિતી મળતી હતી. જો કે, પોર્ટલમાં ખામી સર્જાતા તેઓ પણ અટવાયા હતા. આ મામલે અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ અજાણ હોવાની વિગતો જણાવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસ સિટિઝન પોર્ટલ એપની ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી હતી. આ પોર્ટલ પર ફરિયાદ કરનાર અરજદારને તેની ફરિયાદીની કોપી, ગૂમ થયેલા વ્યક્તિની જાણ કરવી- જાણકારી મેળવવી, વણઓળખાયેલી ડેડબોડીની વિગતો, ફરિયાદની ઓનલાઈન અરજી આપવી, મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ, ગુમ કે ચોરી થયેલી પ્રોર્પટીની વિગતોની જાણ, સિનિયર સિટિઝન રજિસ્ટ્રેશન, ભાડુઆત રજિસ્ટ્રેશન, ડ્રાઈવર રજિસ્ટ્રેશન, ઘરઘાટી રજિસ્ટ્રેશન, પોલીસ વેરીફિકેશન અને પોલીસ એનઓસી વગેરે કામનો નિકાલ વગેરે કામગીરી ઓનલાઈન થતી હોય છે. જેના કારણે નાગરિકોને ઘરેબેઠા સમય બગાડયા વગર આ બધા કામો માટે સરળતા રહેતી હતી. જો કે, છેલ્લા બે દિવસથી એપમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા અનેક લોકો અટવાયા હતા.










