શ્રી રાજપુર જૈન શ્વૈતાંબર મૂર્તિપૂજક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનની મૂર્તિઓ હટાવી લઇ તેમને નુકસાન કરી કથિત હેરિટેજ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરતી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટીસની ખંડપીઠે ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવીને નકારી નાખી છે.


હાઇકોર્ટના ચીફ્ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચે આદેશમાં નોંધ્યું હતું કે ટ્રસ્ટની પ્રોપર્ટીના લાભાર્થીઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદારોની દલીલ છે કે શ્રી રાજપુર જૈન શ્વૈતાંબર મૂર્તિપૂજક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન દેરાસર ટ્રસ્ટ એક નોંધાયેલું પબ્લિક ટ્રસ્ટ છે. આ દેરાસરમાં ભગવાનની જે મૂર્તિઓ છે તે 400 થી 2000 વર્ષ જૂની મૂર્તિઓ છે.

આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કોઇ પણ સરકારી મંજૂરી વિના દેરાસરની ઐતિહાસિક મૂર્તિઓને નુકસાન પહોંચાડયું છે અને રાતોરાત આ કાર્યવાહી કરી ટ્રસ્ટીઓ દ્વારા મૂર્તિઓને હટાવી લેવામાં આવી હતી. આ પ્રોપર્ટી હેરિટેજ પ્રોપર્ટી હોવાનો પણ અરજદારોનો દાવો છે. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ ટ્રસ્ટની પ્રોપર્ટીનું સંચાલન કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે એવી દલીલ પણ કરવામાં આવી છે. ટ્રસ્ટની પ્રોપર્ટીમાં ગેરરીતિના આક્ષેપો પણ અરજદારોએ કર્યો છે.જો કે આ તમામ આક્ષેપોની ચકાસણી યોગ્ય ફેરમ સમક્ષ કરી શકાય એમ છે. આ મામલે દેરાસરમાં જે મૂર્તિઓ બાકી રહી છે તે અંગે ચેરિટી કમિશનરે સ્ટેટસ ક્વોનો આદેશ પણ કર્યો છે. ચેરિટી કમિશ્નર સમક્ષ આ મામલો આજની તારીખે પણ પેન્ડિંગ છે. અહીં એ પણ સ્પષ્ટ થાય છે કે આ પિટિશનમાં જે વિખવાદ છે, એમાં ટ્રસ્ટીઓ સામે આક્ષેપો કરવામાં આવેલા છે. જો કે અરજદારો કેટલાક ભક્તો છે અને એમણે સમગ્ર મુદ્દે ચેરિટી કમિશનરમાં કેસ કર્યો છે. ત્યાં આ મામલો પેન્ડિંગ છે. તેવા સંજોગોમાંઆ જ મામલો જાહેરહિતની અરજી કરવામાં આવે તો એ કોર્ટ કાર્યવાહીના દુરુપયોગ સિવાય બીજું કશું નથી.


  • Follow us on: