ઉનાળા વેકેશનને લઇને લોકો ટ્રેનોની ટિકિટ બુક કરાવવા જાય તો કન્ફર્મ ટિકિટ ભાગ્યે જ મળે છે. 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવાની સુવિધા હોવા છતાંય આ સ્થિતિ છે.


આવી જ સ્થિતિ તત્કાલ ટિકિટ મેળવવામાં પણ મુસાફરો અનુભવી રહ્યા છે. આઇઆરસીટીસીની વેબસાઇટ હેક કરીને દલાલો સવારે આઠ વાગ્યે જ વેબસાઇટ ખૂલતાની દોઢેક મિનિટની અંદર જ ટિકિટો બુક કરી રહ્યા હોવાથી સામાન્ય લોકોના હાથમાં ટિકિટ આવતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. આ મામલે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકને લેખિતમાં રજૂઆત કરાઇ છે. સામાન્ય મુસાફરો રિઝર્વેશન કેન્દ્ર પર દોઢ-બે કલાક સુધી લાઇનમાં ઉભા રહીને ટિકિટ બુક કરાવવા જાય તો પણ વેઇટિંગમાં જ નામ બોલાતું હોય છે. આ અંગે અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રના જણાવ્યા મુજબ ટિકિટની મોટાપાયે કાળા બજારી ચાલી રહી છે. દલાલો વેબસાઇટ હેક કરીને લોટમાં ટિકિટો ખરીદી તેને વેચી રહ્યા છે. અગાઉથી તેઓ તમામ મુસાફરોની વિગતો ભરીને રાખે છે. અને પછી જ્યારે સવારે 8:00 વાગ્યે વેબસાઇટ ખૂલે ત્યારે તેને હેક કરીને તમામ ટિકિટો ખરીદી લે છે. આ આખા કૌભાંડની જાણ રેલવે તંત્રને છે. અગાઉ પણ રેલવે તંત્રએ આવા દલાલો સામે કાર્યવાહી કરી હતી. હાલ રેલવેતંત્ર નિષ્ક્રિય બની ગયું છે. જેના કારણે સામાન્ય લોકો કન્ફર્મ ટિકિટથી વંચિત રહી જાય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ટ્રેનની ટિકિટ મેળવવી સામાન્ય લોકો માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.

વટવા રેલવે સ્ટેશનેથી પણ હવે ટિકિટ રિઝર્વેશન કરી શકાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ વિભાગમાં વટવા રેલવે સ્ટેશને ટિકિટ રિઝર્વેશનની સુવિધા શરૂ કરાઈ છે. હવે પૂર્વ અમદાવાદમાં વસતા લોકોએ ટિકિટ રિઝર્વેશન માટે કાલુપુર, મણિનગર સહિતના રેલવે સ્ટેશન સુધી લાંબા થવાની જરૂર નહીં રહે. વટવા સ્ટેશને પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) પ્રથમ વખત શરૂ કરાઈ છે. સોમવારથી શનિવાર સુધી સવારે 8:00થી 12:00 અને બપોરે 4:00 થી રાતના 8:00 વાગ્યા સુધી ટિકિટ રિઝર્વેશનની સુવિધા મળી રહેશે. રવિવારે સવારે 8:00 થી બપોરને 2:00 વાગ્યા સુધી જ આ ટણ રિઝર્વેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.


  • Follow us on: