શહેરમાં રિક્ષાચાલકો દ્વારા મજૂરી કરતા યુવકોને લૂંટવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક વખત ખાડિયામાં પાંચ મજૂરોને રિક્ષાચાલક સહિત બે શખ્સોએ ચપ્પુ બતાવીને લૂંટી લીધા હતા. જેમાં મજૂરો ઉજાલાથી રિક્ષામાં બેસીને ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ આવતા હતા. આ અંગે મજૂરે બે શખ્સો સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


મધ્યપ્રદેશમાં રહેતા અજબસિંહ કુશ્વાહ છેલ્લા સાત વર્ષથી ચાંગોદર ખાતે આવેલ કંપનીમાં કામ કરે છે. જેમાં તે જ કંપનીમાં તેનો ભાઇ હરદોલ કુશ્વાહ, બોબી, મામા અજબસિંહ, ગોપાલ અને મિત્ર રાહુલ ડામોર કામ કરે છે. ગત 19 એપ્રિલે તમામ કંપનીમાં એક મહિનાની રજા લઇને વતનમાં જવા નીકળ્યા હતા. તેઓ ઉજાલા સર્કલથી ગીતામંદિર એસ.ટી.સ્ટેન્ડ જવા માટે એક રિક્ષામાં બેઠા હતા. ત્યારે રિક્ષામાં એક શખ્સ પણ બેઠો હતો. જેમાં એક વ્યક્તિનું ભાડુ રૂ. 30 નક્કી કર્યુ હતુ. બાદમાં ખાડિયા ભૂતની આંબલી પાસે પહોચ્યા હતા. ત્યાં રિક્ષાચાલકે રૂ. 700 ભાડુ માંગ્યુ હતુ. જ્યારે અજબસિંહે કેમ આટલું ભાડુ પૂછતા રિક્ષાચાલકે ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન રિક્ષાચાલકે અન્ય શખ્સ સાથે મળીને પાંચેયને ચપ્પુ બતાવીને કુલ રૂ. 5 હજાર લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે અજબસિંહે રિક્ષાચાલક સહિત બે શખ્સો સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


  • Follow us on: