કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધને બેંકમાંથી બોલુ છુ તમારું કેવાયસી અપડેટ કરવાનું છે કહી ગઠિયાએ વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ગઠિયાએ લીંક મોકલતા તેમાં વૃદ્ધે ક્લીક કરતા પાંચ મિનિટમાં જ રૂ. 4.45 લાખ કપાઇ ગયા હતા. આ અંગે વૃદ્ધે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરીયાદ નોંધાવી છે.
કૃષ્ણનગરમાં 63 વર્ષિય રીવન્દ્રન ઇઝવા પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. ગત 2 મેએ તેઓ ઘરે હતા ત્યારે બપોરે અજાણ્યા નંબર પરથી તેમના મોબાઇલ પર ફેન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ હું એચડીએફ્સી બેંક લી. નવરંગપુરા શાખામાંથી વાત કરું છું. તમારા બેંક એકાઉન્ટનું કેવાયસી અપડેટ નથી. ત્યારે રીવન્દ્રને જણાવ્યું હતું કે, હું મારી જાતે બેંકમાં જઇ કેવાયસીના દસ્તાવેજ રજૂ કરી દઇશ. જેથી સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું બેંકમાંથી જ વાત કરું છું તમારે ધક્કા ખાવાની જરૂર નથી. હવે બધુ ઓનલાઇન થઇ ગયું છે. હું તમને મોબાઇલ પર એક બેંકની લીંક મોકલું છું તે લીંકમાં જઇ તમારું કેવાયસી અપડેટ કરી દો. જેથી રવીન્દ્રનભાઇને તેના પર વિશ્વાસ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ વોટસ એપ પર એચડીએફ્સી બેંક.એપીકે ફઇલ મોકલી આપી હતી. તે ફઇલ ઓપન કરતા તેમાં બેંક આઇડી પાનકાર્ડ નંબર માગ્યો હતો. જેથી તે ભરતા જ બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શનો કપાવાના શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ જુદા જુદા પાંચ ટ્રાન્જેક્શનમાં કુલ રૂ. 4.45 લાખ કપાઇ ગયા હતા. જેથી પોતાની સાથે ફ્રોડ થયાની શંકા થઇ હતી. આ અંગે વૃધ્ધે અજાણ્યા ગઠિયા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.










