અમદાવાદ શહેરમાં એક સમયે સાબરમતી નદી સ્યૂસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાતી હતી. જોકે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જાળીઓ નાખીને બ્રિજ કવર કરવામાં આવ્યો છે તેમ છતાં અનેક લોકો કોઈ ને કોઈ કારણોસર બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત કરી રહ્યા છે. ગત વર્ષ જાન્યુઆરી-2024થી લઈને 31 માર્ચ 2025 સુધીમાં 192 લોકોએ સાબરમતી નદીમાં કૂદીને મોતને વહાલું કર્યું હતું, જેમાં 165 પુરુષો અને 27 મહિલાનાં મોત થયાં છે. જ્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ બોટની ટીમે 26 પુરુષો અને 12 મહિલાઓ અને એક બાળકને જીવતા બચાવી લીધા હતા.
અટલબ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટના વોક-વે પરથી સૌથી વધુ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બપોરે અને રાત્રે એકાંતનો લાભ લઈને લોકો નદીમાં મોતની છલાંગ લગાવી દે છે. અત્યાર સુધીમાં 95 ટકા કિસ્સામાં મોતને ભેટનારની ઓખળ થઈ ગઇ છે. જ્યારે પાંચ ટકા લોકોની ઓખળ થઈ શકી નથી.










