• બેંગલુરુથી અમદાવાદની ફ્લાઇટમાં 150 પેસેન્જરો સવાર હતા

  • ફ્લાઇટ ટેક્સી-વે પર આવી ગઈ હતી, ઘટનાના પગલે ઈમરજન્સી કોલ જાહેર કરાયો
  • સવારે 9.10 વાગેની ઈન્ડિગોની બેગલુરુની ફ્લાઈટ પણ રદ થતા પેસેન્જરોને ભારે હાલાકી

અમદાવાદ એરપોર્ટ પર શુક્રવાર બપોરે 4 વાગેની આસપાસ ઇન્ડિગોની 6ઈ 6595 બેંગલુરુથી આવતી ફ્લાઇટે લેન્ડિંગ કરતાં જ ટાયર ફાટી ગયું હતું. આ ઘટનાને પગલે ફ્લાઇટ અચાનક જ રન-વે પર રોકાઇ જતાં ફ્લાઇટમાં સવાર 150 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાયલોટે ટાયર ફાટયાની જાણ ATCને કરતાં જ એરપોર્ટ તરફથી ઇમરજન્સી કોલ જાહેર કરીને તમામ ટીમો એરક્રાફ્ટની આસપાસ પહોંચી ગઇ હતી. ફ્લાઇટને પાર્કિંગ એરિયામાં લઇ જઇને 150 પેસેન્જરોને સૌપ્રથમ સલામત રીતે બહાર કાઢી લેતાં રાહતનો શ્વાસ લીધો હતો. આ ફ્લાઇટ ટેક્સી-વે પર આવી ગયેલી હોવાથી અન્ય

ફ્લાઇટોના ટેકઓફ શિડયૂલ ન ખોરવાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને અન્ય ફ્લાઇટોને સમયસર ટેકઓફ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, સવારે 9.10 વાગેની ઈન્ડિગોની બેગલુરુની ફ્લાઈટ પણ રદ થતા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ટાયર ફાટયા બાદ ફ્લાઇટ અચાનક રોકાતા પેસેન્જરો ડરી ગયા

ઇન્ડિગોની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટ બપોરે રન-વે પર લેન્ડ થઇ તે સમયે ફ્લાઇટ અચાનક જ રોકાઇ જતાં પેસેન્જરોને કંઇક ફ્લાઇટમાં થયું હોવાનું અણસાર આવી જતાં પેસેન્જરોમાં ભય ફેલાતાં ડરી ગયા હતા. જોકે, એરપોર્ટ સ્ટાફની ટીમો દ્વારા તમામ ઇમરજન્સી વ્યવસ્થા ઉભી કરી દીધી હોવાથી તમામ પેસેન્જરોને ભયમુક્ત કરીને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.

મુંબઇથી અમદાવાદ આવતી ફ્લાઇટે હવામાં ચક્કર માર્યા

અમદાવાદ એરપોર્ટ પર બેંગલુરુથી આવેલી ફ્લાઇટના ટાયર ફાટવાની ઘટનાને પગલે ઇન્ડિગોની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટને 25 મિનિટ સુધી હવામાં ચક્કર મારવા પડયા હતા. જોકે બેંગલુરુની ફ્લાઇટને પાર્કિંગ એરિયામાં લઇ ગયા બાદ અન્ય ફ્લાઇટો સમયસર લેન્ડ થઇ હતી.

અમદાવાદથી ટેકઓફ થતી ફ્લાઇટો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

આ ઘટનાને પગલે ટેક્સી-વે પર ફ્લાઇટ હોવાથી તે સમયે ટેકઓફ કરનારી ફ્લાઇટો માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને ફ્લાઇટોને સમયસર ટેકઓફ કરાવી હતી. જેને પગલે ટેકઓફ થનારી ફ્લાઇટોના શિડયૂલ પણ જળવાયા હતા.

આ ઘટનાથી 10 ફ્લાઇટોના ટેકઓફ શિડયૂલ પણ ખોરવાયા

આ ઘટનાને પગલે 4 વાગેથી 5.30 વાગે સુધીના સમયમાં ટેકઓફ થનારી 10 ફ્લાઇટો 40 મિનિટ જેટલો વિલંભ ટેકઓફમાં થયો હતો. આ સાથે બપોરે 4.35 વાગે અમદાવાદથી બેંગલુરુ જતી ઇન્ડિગોની ફ્લાઇટ રાતે 9.31 વાગે ટેકઓફ થતાં પેસેન્જરોને ટર્મિનલ પર રાહ જોવાની ફરજ પડી હતી. આ ટાયર ફાટવાની ઘટના બની તે સમયે ટેકઓફમાં મોડી પડેલી ફ્લાઇટોના પેસેન્જરોને એરક્રાફ્ટમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.

  • Follow us on: