- નવા કેસમાં ધરપકડ બાદ ગ્રામ્ય કોર્ટે પાંચ દિવસ રિમાન્ડ પર મોકલ્યા
- આરોપીના સાઉથ બોપલ તેમજ બોડકદેવ ખાતે રહેણાંક મકાનની ઝડતી કરવી જરૂરી
- કાયદેસરની આવક કરતા 198 ટકા વધુ આવક હોવાનું તપાસમાં ખુલ્યું
ગાંધીનગરના પૂર્વ કલેકટર કૌભાંડી એસ.કે. લાંગાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એસીબીના તપાસનીશ અધિકારીએ પૂર્વ કલેકટર એસ.કે. લાંગના દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી પોતાની કાયદેસરની કુલ આવક રૂ.5,87,56,939 ની સામે તેઓએ કુલ ખર્ચ અને રોકાણ રૂ.17.60 કરોડ કર્યુ છે. આમ તેમની કાયદેસરની આવક કરતા 198 ટકા વધુ હોવાની તપાસમાં ખુલ્યું છે. આરોપી તથા તેમના પરિવારના સભ્યોના નામે સાઉથ બોપલ ICIC લોકર નંબર-111ના લોકરની તપાસ કરવા હાજરી જરૂરી છે. આરોપી તથા તેમના પરિવારના સભ્યોના નામે એસ.જી.હાઇવે એક્સીસ બેન્કમાં લોકર નંબર-158 લોકરની તપાસ કરવાની છે. આરોપીના સાઉથ બોપલ તેમજ બોડકદેવ ખાતે રહેણાંક મકાનની ઝડતી કરવી જરૂરી છે. આ ગુનામાં સહ આરોપી પરિક્ષિત શંકરદાન ગઢવી જે આરોપીના પુત્ર છે તેમણે ગુજરાતમાં જુદીજુદી જગ્યાએ જમીનો, દુકાન તથા મકાનો વસાવેલી છે તેમાં ભાગીદારી છે કે કેમ ? તેમજ રોકાણ કરવા પોતે આર્થિક મદદ કરેલ છે કે, કેમ ? દિશામાં ઊંડાણ પુર્વક તપાસ કરવાની છે. આરોપી તથા તેમના પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં કુલ રૂ.73,92,800 જેટલી માતબર રકમ જમા થઈ હોય તેની તપાસ કરવાની છે.










