સરદારનગરમાં રહેતી કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપી જયકિશન ઉર્ફે જેકી હીરાલાલ પુખરાજ પવારને પોકસોના ખાસ જજ સી.જી.મહેતાએ ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદ અને કુલ રૂ.1.20 લાખ દંડ ફટકાર્યો છે.


કોર્ટે નોંધ્યું હતું કે, સમાજમાં સગીર બાળાઓ સામેના ગુનાનું પ્રમાણ ખુબ જ વધી ગયુ છે. આવા કિસ્સામાં આરોપી સામે ગુનો પુરવાર થાય ત્યારે આરોપી સામે કુણુ વલણ અપનાવીને ઓછી સજા કરવામાં આવે તો આવા પ્રકારના ગુનાનું પ્રમાણ સમાજમાં વધી શકે તેમ છે. જેથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડક સજા ફટકારવી ન્યાયહિતમાં જરૂરી છે.

આ કેસની વિગત એવી છે કે, સરદાગનર વિસ્તારમાં રહેતી કિશોરીને જયકિશન ઉર્ફે જેકી હીરાલાલ પુખરાજ પવારે ગતતા.1-5-2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ ફોટોશૂટ કરવા લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ. આ પછી રસોઈ કરવા માટે કિશોરીને જુનાગઢ, જેતપુર, રાજકોટમાં વીસ દિવસ લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ. બીજી તરફ કિશોરીને પેટમાં દુખાવો ઉપડતા ડોકટર પાસે ગયા હતા. જયા ડોકટર પાસે સમગ્ર હકીકત કહી હતી. ત્યારબાદ સગીરાની માતાએ સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી જયકિશન ઉર્ફે જેકી હીરાલાલ પુખરાજ પવારની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ ભરત પટણી અને દેવેન્દ્ર પઢીયારએ 11 સાક્ષીઓ અને 36 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, સમાજમાં સગીર બાળાઓ સામેના ગુનાનું પ્રમાણ ખુબજ વધી ગયુ છે. આવા કિસ્સામાં આરોપી સામે ગુનો પુરવાર થાય ત્યારે આરોપી સામે કૂંણું વલણ અપનાવીને ઓછી સજા કરવામાં આવે તો આવા પ્રકારના ગુનાનું પ્રમાણ સમાજમાં વધી શકે તેમ છે.જેથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડક સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની કેદની સજા ફટકારી છે.


  • Follow us on: