અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનો આરોપીને કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનીને ગુનાખોરી કરી રહ્યા છે. ત્યારે શહેરના આંબલી વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મનીષભાઈ રાઠોડે ધંધાકીય કામ માટે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર પાસેથી 60 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. જેમાં મુડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચુકવી દીધા હતા. તેમ છતાંય, વ્યાજખોર ભાર્ગવ દેસાઇ અને તેના ભાઈએ નાણાંની માગણી ચાલુ રાખીને ધમકી આપી હતી.
વ્યાજખોર ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ ગુંડાઓ સાથે જીવલેણ હુમલો કર્યો
જેથી જમીન દલાલને ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે રવિવારે જમીન દલાલ મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આંબલીમાં આવેલા પુષ્પક પ્લેટીનિયમમાં રહેતા મનીષભાઈ રાઠોડ જમીન દલાલ તરીકે કામ કરે છે. ગત મે 2023માં તેમણે ભાર્ગવ બળદેવ દેસાઈ પાસેથી અલગ અલગ સમયે કુલ 60 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. આ ઉપરાંત, તેમના મિત્રોની કાર ગીરવે મુકીને પણ નાણાં લીધા હતા. જેના પેટે મનીષભાઈએ ભાર્ગવ રબારીને 30 ટકા વ્યાજ ચુકવતા હતા અને તેમણે વ્યાજ સાથે તમામ રકમ ચુકતે કરી દીધી હતી.
પૈસા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો પૈસાની માગણી કરતા હતા
પરંતુ, તેમ છતાંય ભાર્ગવ રબારી મનીષભાઈના ઘરે આવીને નાણાંની માગણી કરીને સતત ધમકી આપતો હતો. 60 લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમની ચુકવણી બાદ પણ વ્યાજખોરોએ નાણાંની માગણી કરતા ફરિયાદીને ઘર છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે ગઈકાલે આ વ્યાજખોરોએ ફરિયાદી ઉપર હુમલો કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે સમગ્ર કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે.
ધાકધમકી અને હુમલાના કારણે ફરિયાદી મનીષભાઈ ડરી ગયા હતા અને તે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા. ત્યારે પણ ભાર્ગવ રબારી તેમના ઘરે આવીને ધમકી આપતો હતો. જેથી પરિવારજનો પણ સતત દબાણમાં રહેતા હતા. રવિવારે મનીષભાઈ તેમના મિત્રના મકરબામાં આવેલા ગિન્ની ગાર્ડન લેક નામના એપાર્ટમેન્ટમાં ગયા હતા અને તેમના પત્ની, બાળકો મળવા માટે આવ્યા હતા. તેજ સમયે આરોપીઓ ત્યાં પહોંચીને માથાકૂટ કરી ધાકધમકી આપી હતી.
પોલીસને જાણ કરવામાં આવતા વ્યાજખોરો ફરાર થઈ ગયા
પરિવાર સાથે જ મનીષભાઈ સામે અચાનક ભાર્ગવ રબારીનો ભાઈ ભાવેશ રબારી તેના સાગરિતો સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને તેણે મનીષભાઈને પકડીને માર મારવાનો શરૂ કર્યો હતો. આ સમયે આનંદ રબારી નામના વ્યક્તિએ છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.









