પૂર્વના વિવિધ ઝોનમાં પાણીના માટેના પળોજણ શરૂ થઈ ગઈ છે. ગોમતીપુર વોર્ડમાં તાજેતરમાં જ પીવાના પાણીની લાઈન નાખવામાં આવી હતી.


જે પછી પણ હજી પણ ઘણાં વિસ્તારોમાં પ્રદૂષિત પીવાનું પાણી મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે સાથે જ લોકોને પીવાના પાણી માટે આસપાસના વિસ્તારોમાં વલખાં મારવા પડી રહ્યા છે. આ તરફ ડ્રેનેજ લાઈનમાં પણ ઉભરાઈ રહેવાની વિવિધ ચાલીઓમાં ફરિયાદ રહી છે તેમ છતાં અધિકારીઓ દ્વારા પગલાં ન ભરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે.

આ અંગે ફરિયાદ કરતાં ગોમતીપુરના ઉષા સિનેમાની પાછળના વિસ્તારમાં રહેતાં સ્થાનિકોએ જણાવ્યું કે, ગોમતીપુરના નૂરભાઈ ધોબીની ચાલ સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડાં સમયથી પીવાનું પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. બીજી તરફ હાલમાં જ આ વિસ્તારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. એટલું જ નહીં નવી લાઈન નાખવામાં આવ્યા બાદ ગટર ડ્રેનેજ વાળુ ગંદો કચરાનું પ્રદૂષિત પાણી સવાર અને સાંજ પાણીની લાઈનમાં આવી જાય છે. જેના કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. બીજી તરફ ઉનાળામાં પીવાના પાણીની એમ પણ અછત હોય છે ત્યારે પ્રદૂષિત પાણી આવતા વિવિધ ચાલીઓમાં માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે. આ અંગે સ્થાનિક અધિકારીઓને લેખિત અને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. જેના કરાણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે.

જ્યારે આ અંગે વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં લાઈનના મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે ફરિયાદ આવી રહી છે. જેના માટે તાકીદે ધ્યાન દોરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેનો નિકાલ કરવામાં આવશે. આ સાથે જ સ્વચ્છ પાણી માટે પણ આગામી દિવસમાં વ્યવસ્થા કરી દેવામાં આવશે.


  • Follow us on: