શહેરમાં છેલ્લા થોડા સમયમાં આગની ઘટનાઓ જે રીતે વધી રહી છે તેને લઈને કોટ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


સ્થાનિકોએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં અનેક જગ્યાએ આગ લાગવાની આકસ્મિક ઘટનાઓ બની રહી છે. જેના કારણે જાનમાલથી લઈ લોકોના જીવનું પણ જોખમ બની રહ્યું છે. આ માટે જ્યારે કામગીરી કરવા માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે ત્યારે તેમને અંદર પ્રવેશ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આ માટે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ગેરકાયદે બાંધકામને હટાવવા માટેની કામગીરી કરવામાં આવે તેવી જ માગણી છે. આ સાથે જ રોડ પર નડતરરૂપ બાંધકામ હટાવવામાં આવે તેનાથી લોકોને પણ અવરજવરમાં રાહત મળી શકે છે. બીજી તરફ એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની મિલિભગતથી જ વેપારીઓને ગેરકાયદે ગોડાઉન ખોલવામાં મોકળું મેદાન મળી રહ્યું છે જેના કારણે અહીં ગોડાઉનોનો રાફડો ફાટયો હોવાનો આક્ષેપ કરાયો છે.

જેમાં લોકોએ જણાવ્યું કે, મધ્ય ઝોનના ખાડિયા, રાયપુર, માણેક ચોક, ગાંધી રોડ, સારંગપુર તેમજ જમાલપુરની વિવિધ પોળની અંદરના ભાગોમાં ગેરકયાદેસર બાંધકામના કારણે ગોડાઉનો અને કારાખાના તેમજ કોમર્શિયલ યુનિટો ધમધમી રહ્યા છે. જેના પર લાંબા સમયથી કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેના કારણે ગેસના બાટલા ફાટવાથી લઈ ગોડાઉનોમાં ફટાકડાની દુકાનોમાં તેમજ ઈલેક્ટ્રિકની દુકાનો અને તેના ગોડાઉન આવેલા છે. જેના કારણે ઘણી જગ્યા પર નાની આગોમાં જ ફાયરની ટીમને પ્રવેશ કરવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. આ તરફ માણેકચોકમાં રાત્રિના સમયે ફૂડ બજાર ધમધમી રહ્યું છે તેમાં પણ ગમે ત્યારે આગની ઘટના બને તેમાં કોઈ જ પ્રકારની સુરક્ષા રહેલી નથી.


  • Follow us on: