અમદાવાદથી ઉત્તર ભારત જતી આવતી તમામ ટ્રેનો હાલ હાઉસફૂલ દોડી રહી છે. વતનમાં જવા માંગતા અને વતનથી પરત અમદાવાદ આવવા માગતા હજારો પરિવારો કન્ફર્મ ટિકિટની રાહ જોઇ રહ્યા છે.


ટિકિટ કન્ફર્મ ન થવાની સ્થિતિમાં તત્કાલ ટિકિટ માટે દોડધામ કરી રહ્યા છે. આ આખી કવાયતમાં પૈસા, સમય અને શક્તિનો ભારે વેડફાટ થઇ રહ્યો છે. અમદાવાદથી કાનપુર જતી સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ(19409)માં સ્લીપર ક્લાસમાં તા. 29 મે, 31 મે અને તા.5 જુને નોરૂમની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે તા.29 મેની સાબરમતી એક્સપ્રેસ (19167)માં સ્લીપર ક્લાસમાં 99 વેઇટિંગ લિસ્ટ બોલાઇ રહ્યું છે. આ ટ્રેન અયોધ્યા થઇને જાય છે તો અયોધ્યા માટે તો નો-રૂમના પાટિયા ટ્રેનમાં વાગી ગયા છે. અમદાવાદથી પટના જતી (19435) ટ્રેનમાં તા.29 મે નું સ્લીપર ક્લાસમાં 179 જેટલું લાંબુ લચક વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

અમદાવાદથી વારાણસી જતી વિવિધ ટ્રેનોમાં તો 53 થી લઇને 118 સુધીનું વેઇટિંગ સ્લીપર ક્લાસમાં છે. હરિદ્વાર જતી ટ્રેનોમાં પણ આ જ સ્થિતિ છે. લખનઉં જતી ટ્રેનોમાં પણ નો-રૂમની સ્થિતિ છે. પ્રયાગરાજ જતી ટ્રેનોમાં પણ 50 થી 100 સુધીનું લાંબુ વેઇટિંગ તા.29 મેના રોજનું જોવા મળે છે. જયપુર જતી ટ્રેનોમાં પણ લાંબુ વેઇટિંગ છે. કેટલીક ટ્રેનોમાં તો હાઉસફૂલના પાટિયા વાગ્યા છે. અમદાવાદથી બિકાનેર જતી રનકપુર એક્સપ્રેસ (14708)માં સ્લીપર ક્લાસમાં તા .29 મે, 30 મે, 31 મે અને તા.1 જુનના રોજ નો-રૂમની સ્થિતિ જોવા મળી રહી છે.

અમદાવાદથી મહાકાલની નગરી ઉજ્જૈન દર્શનાર્થે જવા માંગતા મુસાફરો માટે તા. 29 મેના રોજ અમદાવાદથી ઉપડતી બે ટ્રેન 11463 અને ટ્રેન નં. 19167 માં સ્લીપર ક્લાસ હાઉસફૂલ હોવાથી ટિકિટ આપવાનું જ બંધ કરી દેવાયું છે. દિલ્હી જતી ટ્રેનોમાં પણ લાંબુ વેઇટિંગ છે. જ્યારે તા. 5 જુનની ટ્રેન નં. 20963માં સ્લીપર ક્લાસ હાઉસફૂલ જોવા મળી રહ્યો છે.

જ્યારે બીજી બાજુ અમદાવાદથી વૈષ્ણોદેવી કટરા જમ્મુ-કાશ્મીર સાબરમતીથી જતી ટ્રેન નં. 19223 માં સ્લીપર ક્લાસમાં જૂન માસ સુધીની તમામ સીટો ખાલી જોવા મળી રહી છે. પહલગામ આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ લોકો ટાળી રહ્યા છે. કોલકાતા જતી સાલીમાર સુપરફાસ્ટમાં તા.29 મે, તા.5 જુનના રોજ સ્લીપર ક્લાસમાં નો-રૂમની સ્થિતિ છે. જ્યારે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ (12833)માં 154થી વધુનું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.


  • Follow us on: