વાઈબ્રન્ટ ગુજરાતમાં 2,433 ગ્રામ પંચાયતોના મકાનો નથી અથવા તો જર્જરિત હાલતમાં છે, એટલું જ નહિ પરંતુ જર્જરિત મકાનો વાળી ગ્રામ પંચાયતોએ રિપેરિંગ ખર્ચ કે નવી પંચાયતના મકાન સંદર્ભેની 402 અરજીઓ પડતર છે. માર્ચ 2023ની સ્થિતિની આ માહિતી રાજ્યના પંચાયત વિભાગે આપી છે. એકંદરે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની દશા કફોડી હોવાની સ્થિતિ છે.


ગુજરાતમાં ગ્રામ પંચાયતોના મકાનો નથી અથવા તો જર્જરિત છે તેમાં વડોદરા જિલ્લાની 267 ગ્રામ પંચાયતો, સુરેન્દ્રનગર જિલ્લામાં 116, સાબરકાંઠા 112, સુરત 115, અમદાવાદ 95, અમરેલી 122, આણંદ 107, બનાસકાંઠા 225, ભાવનગર 185, દાહોદ 96, કચ્છ 87, રાજકોટ 89, ભરૂચ 74, ગીર સોમનાથ 55, જૂનાગઢ જિલ્લામાં આવી 54 ગ્રામ પંચાયતો આવેલી છે. રિપેરિંગ કે પછી નવા મકાન માટેની અરજી પેન્ડિંગ છે તેમાં અમરેલીમાં 18, આણંદમાં 22, ભરૂચમાં 35, ભાવનગર 21, છોટા ઉદેપુર 44, જૂનાગઢ 39, કચ્છ 87, નવસારી 30 તેમજ તાપી (વ્યારા)માં 41 ગ્રામ પંચાયતો છે.

રાજ્યમાં તલાટી કમ મંત્રીની 4 હજારથી વધુ જગ્યા ખાલી

ગુજરાતમાં તલાટી કમ મંત્રીની 11,705 જગ્યાઓ મંજૂર થયેલી છે. આ મહેકમમાં 7,554 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 4,151 જગ્યા હજુ ખાલી પડી છે. ગ્રામ પંચાયત સેક્રેટરી- તલાટી કમ મંત્રીની 3,437 જગ્યાઓની ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય ખૂટતી જગ્યાઓ ભરવા માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવશે તેમ પંચાયત વિભાગનું કહેવું છે. અમદાવાદમાં તલાટી કમ મંત્રીની 100 જગ્યા ખાલી છે, એ જ રીતે અમરેલીમાં 237, આણંદમાં 155, ભરૂચમાં 196, ભાવનગરમાં 199, છોટાઉદેપુરમાં 101, દેવભૂમિ દ્વારકામાં 104, જામનગર 203, જૂનાગઢ 218, કચ્છ 186, ખેડા 141, મહેસાણા 168, નર્મદા 111, પાટણ 121, રાજકોટ 222 તેમજ વડોદરા જિલ્લામાં 249 તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.


  • Follow us on: