• વેજલપુરના ફતેવાડીના દારૂલ અમાન ફલેટમાં બની ઘટના

  • શિક્ષક પતિ મદરેસામાં જવા નીકળ્યો બાદ મહિલાએ પગલું ભર્યાનું અનુમાન
  • મૃતક મુનસફાના ગળાના જમણી બાજુમાં ઉંડો ઘા પડયો હતો

વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં આવેલા દારૂલ અમાન ફલેટમાં પાંચ વર્ષના પુત્રને ચાકૂથી ઈજા કર્યા બાદ મહિલાએ પોતાનું ગળું રહેંસી આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સોમવારે સવારે બની છે. મદરેસામાં ઉર્દુ ભણાવતો પતિ ઘરેથી નિકળ્યા બાદ મહિલાએ અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પોલીસે આ અંગે નવા કાયદાની કલમ બી.એન.એન.એસ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ફતેવાડી વિસ્તારમાં પત્ની મનફુસા અને પાંચ વર્ષના પુત્ર સાથે રહેતાં સેફમોહમદ રસિદ સેલીયા (ઉં,32) નાઓ મદરેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સેફમોહમદ સોમવારે વહેલી સવારે મદરેસામાં ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા તો પત્ની મનફુસા અને પાંચ વર્ષનો પુત્ર લોહીલુહાણ હાલતમાં બેડરૂમમાં પડયા હતા. આ અંગે વેજલપુર પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘરમાં જઈને તપાસ કરતા મૃતક મુનસફાના ગળાના જમણી બાજુમાં ઉંડો ઘા પડયો હતો. ગંભીર ઈજાને કારણે મૃત હાલતમાં જયારે 5 વર્ષનો પુત્ર ઈજાગ્ર્સ્ત હાલતમાં જોવા મળ્યો હતો. તેની બાજુમાં રસોડામાં વપરાતું ચપ્પુ પડયું હતું. ઘટનાના પગલે ઈજાગ્રસ્ત પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. પોલીસને મૃતકના પતિ સેફમોહમદ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મુનસફા માનસીક બિમારીથી પીડાતી હોય તેવું લાગી રહ્યું હતું. આજે સવારે પોતે ઘરેથી નીકળ્યા બાદ બનાવ બન્યો હતો. પોલીસે બનાવ અંગે એપાર્ટમેન્ટના સીસીટીવી વગેરે ચેક કરી પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે, મુનસફાએ પાંચ વર્ષના પુત્રને ઈજા કર્યા બાદ પોતે ગળાના ભાગે જાતે ઉંડો ઘા મારી આત્મહત્યા કરી લીધી છે. બનાવ અંગે વેજલપુર પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.


  • Follow us on: