નિકોલમાં ફરી એકવાર અંધેર તંત્ર સામે આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારી પ્લોટની હરાજી કરી વેચાણ કરવામાં આવ્યું છે. જેના કારણે નરોડા-નિકોલને જોડતો સુકન ચોકડી અને નિકોલ ગામ ખોડિયાર મંદિર વચ્ચેના 60 ફૂટના રોડ સાથેનો AMC પ્લોટ વેચાણ માટે આપી દેતાં 60 ફૂટનો રોડ આંશિક બંધ થઈ જવા પામ્યો છે. જેના પર યુજીવીસીએલની હાઈટેન્શનની લાઈન આવેલી હોવાના કારણે 40 ફૂટના રોડ પર તેના માટે રોકાયેલો છે. આ કારણે ત્યાંથી અવરજવર કરતાં દરરોજ અંદાજે 25 થી 30 હજાર લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ તરફ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ પ્લોટ આપવા સુધીની કામગીરી કરી નાખી ત્યાં સુધી લાઈન હટાવવા માટેની અને લોકોના અવરજવર માટેની વૈકલ્પિક વ્યવસ્થા ન કરતાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતાં કહ્યું કે, આ રોડ કાયદેસર રીતે 18 મીટર (60 ફૂટ)નો રોડ ટી.પી સ્કીમમાં મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી પ્લોટ ખાનગી કંસ્ટ્રક્શન કંપની વહેંચી દીધો છે. જેનો ફઈનલ પ્લોટ નંબર-63, ટી.પી.-103 છે. જેમાં પ્લોટનુ વેચાણ થતાં એક બાજુનોજાહેર રસ્તો જ ગાયબ થઈ ગયો. આ રોડ પર એક તરફ યુજીવીસીએલની ટાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે. જેના કારણે 40 ફૂટ જેટલા રોડ પર કબ્જો કરવામાં આવ્યો છે. આ કારણે લોકોએ નિકોલ ગામથી નરોડા તરફ જવા માટે 2 કિમી જેટલો ફેરો ફરવો પડે તેવી સ્થિતિ બની છે. આ માટે મ્યુનિ. કોર્પોરેશન અને વીજ કંપનીએ સંકલન ન સ્થાપતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

આ તરફ રાહદારીઓએ વિરોધ કરતાં હાલમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં કામગીરી શરૂ થવાના કારણે લોકોને મુશ્કેલી ઉભી થઈ શકે છે. જેના અંગે સ્થાનિક આગેવાનો અને પૂર્વ ઝોનના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકોનો દોર શરૂ કર્યો છે.


  • Follow us on: