બીઝેડના સ્કેમની પેર્ટન પર વધુ એક પોન્જી સ્કેમ ચલાવતા કંપનીના સંચાલકની સીઆઈડી ક્રાઈમે પાલનપુરથી ધરપકડ કરી છે. ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે નિરંજન શ્રીમાળી નામના વ્યક્તિની પાલનપુરથી ધરપકડ કરી હતી.


જેને નાવ સ્ટાર્ટ વે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની થકી પોન્જી સ્કેમ ચલાવતો હતો આ કંપની પોતાના દીકરા સાથે ખોલીને ગુજરાત અને બહારના રાજય રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથી રોકાણકારો પાસેથી 155 કરોડનું રોકાણ મેળવ્યું હતું. જેમાં રોકાણકારોને મોટા મોટા વાયદા કર્યા બાદ રુપિયા પાછા આપ્યા ન હતા. ઝડપાયેલા આરોપી નિરંજન શ્રીમાળીને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરાતા 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ માંગતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપી પાલનપુર એસટી વિભાગમાં રહેમરાહે ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. જેને પોતાના પુત્ર સાથે મળીને મલ્ટી લેવલ માર્કેટિંગનું કામ શરૂ કર્યું હતું. ઓક્ટોબર 2023થી જુલાઈ 2024 સુધીમાં તેને 155 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું, ત્યારે કેટલા એજન્ટો આ કામ સાથે સંકળાયેલા છે? તેમને કેટલું કમિશન મળતું હતું તેની માહિતી મેળવવાની છે. આરોપીની કંપનીની અન્ય કોઈ બ્રાન્ચ કે ફ્રેન્ચાઇઝી કોઈને આપવામાં આવી હતી અને તેના ડિરેક્ટરો કોણ હતા? આરોપીના બેંક એકાઉન્ટ ક્યાં ક્યાં આવેલા છે? તેને બેંક કરતા વધુ વ્યાજ આપવાની લોકોને લાલચ આપી હતી. રોકાણકારોના પુરા ડેટા પણ મેળવવાના બાકી છે.

આરોપી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરતો હતો. તે સ્ટેમ્પ કોના નામે ખરીદવામાં આવ્યા હતા? આરોપીએ પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, જામનગર, અંકલેશ્વર, વડોદરા, સુરત અને રાજસ્થાનના પાલી ઉદયપુર, બાસવાડા તેમજ મહારાષ્ટ્રના મુંબઈ, નાશિક વગેરે જગ્યાએથી રોકાણ મેળવ્યું હતુ.

12,622 લોકોને આરોપીએ પૈસા પરત આપ્યા નથી । સીઆઈડી ક્રાઈમે કરેલી પ્રાથમિક પુછપરછમાં અનેક મહત્વની બાબત સામે આવી છે. આરોપી પાસેથી મળેલા ડેટા મુજબ 45,382 એક્ટિવ આઈડી મળી આવ્યા છે. જેમાંથી 39,594 જોઇનિંગ હોલ્ડર્સ છે. જ્યારે બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરને મેચ કરીને 15,790 રોકાણકારોની વિગત સામે આવી છે. 12,622 લોકોને આરોપીએ પૈસા પરત આપ્યા નથી. આરોપીએ હવાલાથી કંઈ પૈસા મોકલતો હતો કે કેમ તે જાણવાનું છે. આરોપી 1 લાખથી લઈને 12 કરોડ રૂપિયાનું રોકાણ મેળવતો હતો. તે એજન્ટોને રોકાણના બદલામાં જુદા જુદા લાભ આપતો હતો.અત્યાર સુધીમાં 30 જેટલા સેમિનારો અલગ અલગ સ્થળે યોજયા હતા, બીઝેડની જેમ એજન્ટોને રાજસ્થાનની ટૂર પણ કરાવી હતી.


  • Follow us on: