ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્તિક પટેલના જ ઈશારે, દોરીસંચારથી પીએમજેએવાય યોજનાના કરોડોના નાણાં ઓળવી લેવા નિર્દોષ અને અજાણ દર્દીઓની આડેધડ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતા બે દર્દીના મોત થયાના કેસમાં ડો.પ્રશાંત પ્રકાશ વઝીરાણીનું લાઈસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલે (GMC) ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું.


આ કેસમાં ડો.વઝીરાણીની અરજીના આધારે નેશનલ મેડિકલ કમિશને લાઈસન્સ સસ્પેન્ડ કરવાના હુકમના અમલને સ્થગિત કરી દેતાં તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ડો.વઝીરાણી જેલમાં છે, જામીન મળ્યા નથી છતાં એનએમસીએ સ્ટે આપીને શું સાબિત કરવા માગે છે, તેવો પ્રશ્ન લોકોમાં ઉઠયો છે.

ખ્યાતિ હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની યોજના પીએમજેએવાય અંતર્ગત નિર્દોષ દર્દીઓની આડેધડ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેના કારણે બે દર્દીના મોત થયા હતા. ડો.વઝીરાણીની ધરપકડ કરવામાં આવી, તેને જેલમાં નાખવામાં આવ્યો. હજુ જામીન મળ્યા નથી. ડો.પ્રશાંત વઝીરાણીની બેદરકારી માનીને ગુજરાત મેડિકલ કાઉન્સિલે તેનું લાઈસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું. આટલો ગંભીર બનાવ અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવા છતાં પણ એનએમસીએ સ્ટે આપી દીધો છે.

એનએમસીએ આ સ્ટે ઓર્ડર 10મી એપ્રિલે આપ્યો છે જે જીએમસીને આજે મળ્યો છે. સ્ટે આપવા માટે એનએમસીએ બોમ્બે-નાગપુર બેન્ચનો ડો.અશોક સરવન બાવસ્કર વિરુધ્ધ એનએમસી કેસનો આધાર આપ્યો છે. જેમાં એનએમસીને સ્ટે આપવાની વિવેકાધીન સત્તા મળી છે તેના આધારે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. કમિશને આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી ડો.વઝીરાણીના લાઈસન્સ સસ્પેન્ડ કરવાના હુકમના અમલને સ્થગિત કરી દીધો છે. તેની અવળી અસર એ પડશે કે જેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે, દર્દીના મોતમાં તેની પણ ભૂમિકા છે તે જામીન પર મુક્ત થાય તો તે નિરંકુશ પ્રેક્ટિસ કરી શકશે. નેશનલ મેડિકલ કમિશને વ્યાપક લોકહિતને ધ્યાને રાખ્યું નથી તેવું તબીબી આલમ માને છે. જો ફરીથી દર્દીના મોત થયા તો તેના માટે કોણ જવાબદાર ગણાશે ? તેમના સ્વજનોને જો નુકસાન થાય તો તેના માટે કોણ જવાબદાર ગણાશે, આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠયા છે જેનો કોઈ જવાબ મળતો નથી.

નેશનલ મેડિકલ કમિશને આટલા ગંભીર બનાવ પર સ્ટે કઈ રીતે આપ્યો ? જીએમસી

આ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ ડો.ચેતન પટેલે જણાવ્યું કે એનએમસી ભારત સરકારની એક સંસ્થા છે અને પીએમજેએવાય પણ ભારત સરકારની સ્કીમ છે, કે જેમાં આર્થિક લાભ માટે ગોટાળા થયા. દર્દીના મોત થયા છે ત્યારે એનએમસીએ બીજા કેસ સાથે આ કેસને સાંકળવાની શી જરૂર છે ? આટલા ગંભીર બનાવમાં સ્ટે આપવો તે વિચારવા જેવી બાબત છે. કમિશનની કાર્યશૈલી પર પ્રશ્ન ઊઠે છે. સ્ટે આપવા માટે કમિશને કોઈ કારણ આપ્યું નથી.


  • Follow us on: