• તમે તમારું ઘર (સાબરમતી) સરખી રીતે સાચવી નથી શક્યા, તે કમનસીબી છે

  • સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસનો પ્રકોપ
  • હાઇકોર્ટે એએમસીના કમિશરનો એપ્રોચ બિલકુલ યોગ્ય કે વાજબી નહી હોવાની ગંભીર ટકોર કરી

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓનો આકરો ઉધડો લીધો હતો.

વાંરવારના નિર્દેશો અને તાકીદ બાદ પણ સાબરમતી નદીમાં પ્રદૂષણની સ્થિતમાં કોઇ સુધારો નહી આવતાં હાઇકોર્ટે રોષ વ્યક્ત કર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે અમ્યુકો અને મ્યુનિસિપલ કમિશનરને ઝાટકતાં જણાવ્યું કે, રોજેરોજ સાબરમતી નદીમાં ગંદુ અને પ્રદૂષિત પાણી ઠલવાયા કરે છે અને તમે નદી સ્વચ્છ કરવા માટેના કોઇ પગલાં લીધા નથી. અમે કામગીરી કરી રહ્યા છીએ અને પ્રયત્નો કર્યા છે, તેવી નિવેદનબાજીની કોઇ જરૂર નથી, કોર્ટ કંઇ તમને પ્રશસ્તિપત્ર આપવા નથી બેઠી. એએમસી પોતાનું જ ઘર(સાબરમતી નદી) સરખી રીતે સાચવી શકતી નથી તે બહુ કમનસીબ બાબત છે.

આ કેસમાં કોર્ટ સહાયક હેમાંગ શાહ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)ના સોગંદનામાંનો આધાર લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, એકબાજુ, સાબરમતી નદીને શુધ્ધ કરવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે અને અદાલત પણ આ સમગ્ર મામલે ગંભીર છે પરંતુ કમનસીબ બાબત એ છે કે, ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ ડોમેસ્ટીક સુએઝ તેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફ્તે ટ્રીટ કર્યા વિના પાણી સીધેસીધુ સાબરમતી નદીમાં ઠાલવી રહ્યું છે. આ પ્રકારે સાબરમતી નદીનું શુધ્ધિકરણ શકય નહી હોવાની સાફ્ વાત કોર્ટ સહાયકે રજૂ કરી હતી, જે વાતને હાઇકોર્ટે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને તેને લઇને આજે હાઇકોર્ટે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશન સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા.

હાઇકોર્ટે એએમસીના કમિશરનો એપ્રોચ બિલકુલ યોગ્ય કે વાજબી નહી હોવાની ગંભીર ટકોર કરી હતી અને સમગ્ર કેસમાં તેમની ભૂમિકા-વલણને લઇ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં જણાવ્યું કે, એએમસીને વારંવાર સમય આપવા છતાં કામ થયુ નથી તે વાસ્તવિકતા છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, અમ્યુકો અદાલતના નિર્દેશોની અવગણના અને અવહેલના કરી રહ્યુ છે. તમારે જે કામ કરવાનું હતુ તે તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કર્યું નથી અને જયારે અદાલત ફ્ટકાર લગાવે છે ત્યારે તમે કામ કરવા તૈયાર થાઓ છો અને પછી કોર્ટ સમક્ષ નિવેદન કરો છો કે, અમ્યુકો પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. અદાલત તમને કંઇ પ્રશસ્તિપત્ર આપવા માટે નથી બેઠી. તમે તમારું કામ કે ફરજ નિષ્ઠાપૂર્વક નથી નિભાવ્યા તે સ્પષ્ટ દેખાઇ આવે છે અને તમારી પાસે કામ કરાવવા અને તમે કામ બરોબર કરો એ માટે અદાલતે દરમ્યાનગીરી કરવી પડે છે, તે વલણ કોઇપણ રીતે યોગ્ય નથી.

ટેન્ડર બહાર પાડયાને બીજા દિવસે એફિડેવિટ કરી

દરમ્યાન અમ્યુકોએ બચાવ કર્યો હતો કે, અમે સફાઇને લઇ ટેન્ડર બહાર પાડયા છે, તેથી કોર્ટ સહાયક હેમાંગ શાહે અદાલતનું ધ્યાન દોર્યું કે, ટેન્ડર બહાર પાડયા છે તા.7મી જૂને અને કોર્પોરેશને સોંગદનામું તા.8મી જૂને દાખલ કર્યું છે. તેથી હાઇકોર્ટે સીધો જ સવાલ અમ્યુકોના વકીલને કર્યો કે, ટેન્ડર બહાર પાડયાથી લઇ આટલા દિવસો સુધી શું કર્યું..? શું કામગીરી થઇ..?? કે પગલાં લીધા...તેની વાત કેમ સોગંદનામાંમાં રજૂ કરી નથી..? દર વખતે અમ્યુકો અધૂરી અને અપૂરતી વિગતો રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરે છે.

ટાસ્ક ફોર્સ મુદ્દે અમ્યુકો ફ્સાયું, હાઇકોર્ટે ઝાટકયા

કેસની સુનાવણી દરમ્યાન આજે અમ્યુકોએ એવો બચાવ રજૂ કર્યો હતો કે, અમે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ના ઠલવાય તે માટે વિવિધ એકમો, ફેકટરીઓ અને યુનિટ્સના ઇન્સ્પેકશન અને ધ્યાન રાખવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને જરૂરી પગલાં લેવાઇ રહ્યા છે, તેથી કોર્ટ સહાયક હેમાંગ શાહે અદાલતનું ધ્યાન દોરાયું કે, ટાસ્ક ફોર્સની રચના તા.1લી જૂનના રોજ કરવામાં આવી છે અને સંબંધિત યુનિટ્સને સીલીંગની કાર્યવાહી માર્ચમાં કરી હોવાનું જણાવે છે. ખુદ કોર્પોરેશનની કબૂલાતમાં જ અસાતત્યતા સ્પષ્ટ થાય છે, તેથી હાઇકોર્ટે અમ્યુકોના વકીલને પૃચ્છા કરી હતી કે, કેમ આવો વિરોધભાસ અને અસાતત્યતા? અમ્યુકોના વકીલે બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોર્ટ તેનાથી સંતોષ ના થઇ કે પ્રભાવિત ના થઇ અને ટપાર્યા કે, દર વખતે તમે કંઇક ને કંઇક છુપાવો છો.

કોર્પોરેશનના સોગંદનામામાં હકીકતો છુપાવાય છેઃHC

હાઇકોર્ટે ફરી એકવાર અમ્યુકો સત્તાધીશોને ખખડાવ્યા હતા કે, દર વખતે અમ્યુકો દ્વારા દાખલ થતાં સોગંદનામાંમાં અધૂરી અને અપૂરતી વિગતો હોય છે, તે ફરી એકવાર સ્પષ્ટ થાય છે. કેસ સંબંધી સાચી હકીકતો અદાલતથી છુપાવાય છે અને અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થાય છે પરંતુ અદાલત તે સાંખી નહી લે. અમ્યુકોએ તમામ સાચી હકીકતો અને પૂરતી ચોકસાઇ અને ખરાઇ બાદ પૂરતી અને નક્કર વિગતો સાથે જ સોગંદનામું ફાઇલ કરવુ રહ્યું.

  • Follow us on: