શહેરના વાહન ચાલકોને હવે ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી ઉભા રહેવું ના પડે તેવા આયોજન શહેર પોલીસ દ્વારા શરુ કરાયુ છે. શહેરના કયા વિસ્તારમાં, કચા સિગ્નલ પર ટ્રાફિક વધુ કે ઓછો તેનો ડેટા એકત્ર કરી અભ્યાસ કરવાની શરૂઆત થઈ છે.
આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કેમેરાની મદદથી આ શક્ય બન્યું છે. આ ડેટા આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અંગે નિર્ણયો લેવાશે. આ ઉપરાંત કયા સિગ્નલ પર કયા સમયે કેટલો વેઈટિંગ ટાઈમ રાખવો તેની સૂચના ટ્રાફિક પોલીસને અપાશે. આ રીતે સિગ્નલો પર બિનજરૂરી ઉભા રહેવાની વાહનચાલકોની તકલીફનો અંત આવશે.
એઆઈ ટેકનોલોજીથી સજ્જ સીસીટીવી કેમેરા શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયા છે આ સીસીટીવી કેમેરામાં ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય તેવી ટેકનીક પણ વિકસાવાઈ છે. આ ટેકનોલોજીની મદદથી શહેરમાં કયા ચાર રસ્તા પર કયા સમયે કેટલા વાહનોની અવરજવર છે. જે આધારે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડેટા ચેક કરીને કયા સિગ્નલ પર કેટલી વેઈટીંગ સેકન્ડ કયા સમયે ટાઈમરમાં રાખવી રાખવી તેનો નિર્ણય કરવા જઈ રહ્યાં છે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો કઈ તરફના રસ્તા પરથી કેટલા વાહનો રોકાય છે તે ડેટાનો અભ્યાસ કરી વેઈટીંગ ટાઈમરને સેટ કરવાની યોજના બનાવાઈ છે. જેના પગલે સિગ્નલ ખુલ્યા પછી અમુક સેકન્ડોમાં ટાઈમર બંધ થઈ જતા વાહનચાલકોને ફરીવાર સિગ્નલ ખુલે ત્યાં સુધી રાહ જોવી પડે તેવી સ્થિતી ના સર્જાય તેવું આયોજન થઈ રહ્યું છે.
સ્પેશયલ બ્રાંચના સ્પે. સી.પી. અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા એઆઈ ટેકનોલોજીથી સજ્જ ફેસરેક્ગીનેશન સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં સરળતા રહેશે. આ સીસીટીવી કેમેરાના સર્વેલન્સથી હાલમાં કયા વિસ્તારમાં કેટલો ટ્રાફિક છે, કયા સિગ્નલ પર કેટલા વાહનોની કયા સમયે વધુ કે ઓછી અવરજવર, નોન પાર્કીગ ઝોનમાં કેટલા વાહનો પાર્ક થાય છે સહિતની વિગતો એકત્ર થઈ રહી છે. આ ડેટાનો અભ્યાસ કરી ટ્રાફિક સિગ્નલો અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનો અપાશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ કેમેરા મહત્વના પુરવાર થશે તેમ પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. આ સિસ્ટમના ઉપયોગથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો બને એટલા ઓછો ભોગ બનવું પડે તેવો પ્રયાસ પોલીસ કરી રહી છે.