ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ચાર કે તેનાથી વધુ વર્ષથી કેટલાક અધિકારીઓ અડિંગો જમાવીને બેઠા છે. કેટલાક અધિકારીઓ પાસે કામ ચલાવ ચાર્જ હોવા છતાં કાયમી નિમણૂક કરાતી નથી. આવી સ્થિતિમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સીધી અસર થઇ રહી છે. કાયમી સ્ટાફ હોવો જરૂરી હોવા છતાં ગાંધીનગરના બાબુઓ નિદ્રામાં હોવાનું મનાય છે. નિયમ મુજબ ત્રણ વર્ષે બદલી કરવાની ગાઇડલાઇનનું પાલન જ થતું નથી.
હાઉસિંગ બોર્ડમાં સ્ટાફની અછત છે. સ્ટાફ નહીં હોવાના લીધે ગેરકાયદે બાંધકામ કરનાર યુનિટો સામે કાર્યવાહી થઇ શક્તી નથી. આ સિવાય રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયાથી લઇ યુનિટ ખાલી કરાવવા સુધીની કાર્યવાહીમાં અડિંગો જમાવીને બેઠેલા કેટલાક અધિકારીઓ પોતાની મનમાની મુજબ નિર્ણય કરતા હોય છે. અધિકારીઓ બદલાય તો રણનીતિ પણ બદલાય અને તેની સાથે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વેગવંતો બની શકે છે. પરંતુ સરકારના ઉચ્ચ અધિકારીઓની નજર પડી નહીં હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચાર કે તેનાથી વધુ વર્ષથી બેઠેલા અધિકારીઓની બદલીનો પ્રશ્ન અટકી ગયો છે. મહત્વના કામ માટે પણ આઉટ સૌરસિંગના સ્ટાફનો ઉપયોગ કરાય છે. બોર્ડના અધિકારીઓની કેટલીક ભૂલોના લીધે આજે ઘણી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી હોવાથી પ્રજામાં રોષ ફેલાયો છે.










