વરસાદની હજી તો માંડ શરૂઆત થઈ ત્યાં તો મ્યુનિ. કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના તમામ દાવા પોકળ સાબિત થઈ ગયા છે.
માત્ર એકથી દોઢ ઈંચ વરસાદમાં પૂર્વના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂર્વના ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, નરોડા મેમકો, વિરાટનગર, ઓઢવ સહિતના વિસ્તારોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે રામોલ, નિકોલ, કઠવાડા, વટવા, સરદારનગર સહિતના વિસ્તારોમાં અડધોથી એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના કારણે મોડી રાતથી સવાર સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. દ્વારા વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં ગટરના પાણી બેક મારતાં હતા. જ્યારે સફાઈ કર્મચારીઓ સહિત મ્યુનિ.ની ટીમો કામે લાગતાં આખરે પાણીનો નિકાલ થયો હતો.










