આગામી જાન્યુઆરી-2025માં યોજાનાર વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 61.49 લાખ વિદ્યાર્થીઓમાંથી 10.41 લાખ એટલે કે, 17 ટકા વિદ્યાર્થી જ નોંધાયા છે. સૌથી ઓછો પ્રતિસાદ મળ્યો હોય એવા જિલ્લાઓની વાત કરીએ તો ગાંધીનગરમાં માત્ર 1 ટકા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
એ સિવાય કચ્છમાં 2 ટકા અને જામનગરમાં 4 ટકા બાળકોની નોંધણી થઈ છે. રાજ્યમાંથી 8,093 વાલીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ધો.10 અને 12ની બોર્ડની તેમજ શાળાકીય પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂછાતા પ્રશ્નોનું વડાપ્રધાન નિરાકરણ કરી આપે છે. ગત તા.14 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે, 29 ડિસેમ્બર સુધીમાં કુલ 61,49,343 વિદ્યાર્થીઓમાંથી 10,41,956 એટલે કે, 17 ટકા વિદ્યાર્થીઓેએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યના 8 જિલ્લામાં કુલ બાળકો પૈકીના 10 ટકા બાળકોએ પણ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જેમાં સૌથી ઓછા ગાંધીનગરમાં માત્ર 1 ટકા બાળકો જ નોંધાયા છે. જેમાં 1,86,758 વિદ્યાર્થીમાંથી 3,490 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી બોર્ડના 2,187 વિદ્યાર્થી છે. કચ્છમાં કુલ 2,12,775 વિદ્યાર્થીમાંથી 4,813 નોંધાયા છે જેમાંથી બોર્ડના 3,471 વિદ્યાર્થી છે, જેની ટકાવારી માત્ર 2 ટકા થાય છે. જામનગરમાં કુલ 1,27,775 વિદ્યાર્થીમાંથી 7,160 નોંધાયા છે. જેમાંથી બોર્ડના 5,051 એટલે કે, માત્ર 4 ટકા નોંધાયા છે. અમદાવાદમાં કુલ 7,30,727માંથી 1,61,826 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં બોર્ડનાં 1,51,922 વિદ્યાર્થી છે.










