શહેરમાં ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની છે. ફેરિયાઓ માઇક લઈને મોટા અવાજે ઘોંઘાટના સુરમાં તેમની ચીજ-વસ્તુઓના વેચાણ માટે સોસાયટીઓમાં, ફ્લેટોમાં, રોડ પર ફરતા હોવાથી તેના કર્કર અવાજથી લોકો માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતી શાકમાર્કેટોમાં તો કાન ફાડી નાંખે તેવા માઇકોના ઘોંઘાટથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.


70 લાખથી પણ વધુની વસતી ધરાવતા મેગાસિટી અમદાવાદમાં ગટર, પાણી, હવાનું પ્રદૂષણ તો મોટી સમસ્યા છે જ ! હવે તો ધ્વનિ પ્રદૂષણ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું હોવાનું શહેરીજનોનું માનવું છે. જોકે પ્રદૂષણના મામલાને તંત્ર એકદમ હળવાશથી લેતું હોવાથી આ મામલે કોઇ ફરિયાદ કે પગલાં લેવાતાં નથી. જીપીસીબી પણ વિવિધ પ્રકારના પ્રદૂષણો સામે લાચાર અને નિષ્ક્રિય હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

શહેરીજનોના જણાવ્યા મુજબ, રોજ સવારે શહેરના દરેક વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો લેવા ફરતા કોર્પોરેશનના વાહનોમાં જે સ્વચ્છ ભારત કા ઇરાદા વાળું સોંગ એટલા ઊંચા અવાજે વગાડવામાં આવી રહ્યું છે કે સવારે લોકોની ઊંઘ બગડી રહી છે. વાંચતા-લખતા વિદ્યાર્થીઓ, બીમાર વ્યક્તિઓ વિચલિત થઈ માનિસક પીડા અનુભવી રહ્યા છે. કચરો ઉઘરાવવા નીકળતા આ વાહનોમાં સાઉન્ડનું ડેસિબલ ઘટાડવામાં આવે અથવા તો સીટીઓ વગાડીને લોકોને કચરા પેટીની ગાડી આવી હોવાની જાણ કરાય તે ઇચ્છનીય હોવાનું લોકોનું માનવું છે.

પૂર્વ વિસ્તારમાં રોડ પર ઠેરઠેર શાકમાર્કેટો ઊભી થઈ ગઈ છે. જ્યાં દબાણ, ટ્રાફિકની સાથે ઘોંઘાટનો પ્રશ્ન વકર્યો છે. દરેક શાકભાજીની લારીઓ પર માઇકોમાં શાકભાજીના ભાવ-તાલ વગાડતા માથું ફાડી નાંખે તેવા અવાજ વચ્ચે ઊંચા અવાજે વાતચીત કરીએ તો જ સંભળાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.

રોડ પર ફ્રૂટ, શાકભાજી લઇને ઊભા રહેતા વાહનો, બાઇક, મોપેડ, સ્કૂટર પર વેચાણ કરતા નીકળતા ફેરિયાઓ માઇકો મૂકીને સતત ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.

મ્યુનિ.કોર્પેરશન, જીપીસીબી દ્વારા ધ્વનિ પ્રદૂષણની આ સમસ્યાથી શહેરીજનોને રાહત મળે તે દિશામાં જરૂરી નિયમો બનાવવા જોઇએ અને અવાજના પ્રદૂષણને નિયંત્રિત કરવા માર્ગદર્શિકા જાહેર કરવી જોઇએ તેવી નાગરિકો ઉગ્ર માગ કરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટીઓમાં આવા ફેરિયાઓને પ્રવેશવા ન દેવા પણ લોકોએ બોર્ડ મૂકી રહ્યા છે.


  • Follow us on: