છેલ્લાં એક સપ્તાહથી AMCમાં ચર્ચાને ચકડોળે ચડેલા એન્જિનીયરિંગ વિભાગમાં 93 ટેકનીકલ સુપરવાઇઝર ભરતીમાં ત્રણ ઉમેદવારોનાં માર્ક વધારી આપવાનાં કૌભાંડમાં મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફ્સિની ઘોર બેદરકારી નજરે ચઢી છે અને AMCના પૂર્વ અને વર્તમાન કર્મચારીઓનાં સંતાનો- સગાંને AMCમાં નોકરીમાં ગોઠવી દેવા માટે કારસો ઘડાયો હોવાનુ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.


ટેકનીકલ સુપરવાઈઝર તરીકે ત્રણ ઉમેદવારોનીખોટી રીતે માર્ક વધારીને ભરતી કરવાના કૌભાંડમાં કથિત લેવડ દેવડ સહિતની બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ રહી છે. આ ભરતી પ્રક્રિયામાં આંખ આડા કાન કરાયા હોવાનું તેમજ લાલિયાવાડી ચાલતી હોવાની અને ઘોર બેદરકારી દાખવવામાં આવી જોવા મળ્યું છે. ટેકનીકલ સુપરવાઈઝરની મેરિટ યાદી તૈયાર કરવામાં સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પછી કોઈ અધિકારીએ માર્ક ચેક કર્યા હતા કે કેમ ? એવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ટેકનીકલ સુપરવાઈઝર ભરતી કૌભાંડના પર્દાફાશને પગલે AMC સેન્ટ્રલ ઓફિસની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. એટલું જ નહીં પરંતુ ભૂતકાળમાં થયેલી ભરતીઓ પણ શંકાસ્પદ હોવાની શક્યતા છે. આ ભરતી કૌભાંડમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને AMC કમિશનરે વિજિલન્સ તપાસના આદેશ આપતાં આગામી દિવસોમાં અન્ય અધિકારીઓ, કર્મચારીઓ સુધી તપાસનો રેલો પહોંચશે તેવી દહેશતને પગલે સેન્ટ્રલ ઓફિસ સહિત અન્ય કર્મચારીઓ- અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

AMCના એસ્ટેટ -ટીડીઓ વિભાગના નિવૃત્ત અધિકારી લિંબાચીયાના પરિવારજનને ખોટી રીતે માર્ક વધારીને નોકરી અપાઇ હોવાના વિવાદને પગલે લિંબાચિયાના ફોન બંધ આવે છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં એક PHSની દીકરીને નોકરી આપવાનો કારસો રચાયો છે. ત્રીજા ઉમેદવારની ભરતીમાં કોની ભલામણ હતી તે અંગે તપાસ ચાલી રહી છે. AMCમાં ભરતી માટે બહારની એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવ્યા પછી OMR શીટ સ્કેનિંગ કરીને મેરિટ લિસ્ટ, હાર્ડ કોપી અને CD આપવામાં આવે છે અને તેના આધારે મેરિટ યાદી બનાવાયા પછી કોમ્પુ. ઓપરેટર, હેડ ક્લાર્ક, શિરસ્તેદાર, ઓફિસ સુપ્રી., વિભાગીય વડા દ્વારા ચેક કરીને ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં ભારે વિવાદ સર્જાયા પછી ગાંધીનગરથી મળેલી મોવડી મંડળની સૂચના બાદ ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ ફરિયાદ કરવા ફરજ પાડતા પુલકિત નામના કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે વિપક્ષી નેતાએ દેખાવો કરીને જવાબદાર ઉચ્ચ અધિકારીઓને તત્કાલ સસ્પેન્ડ કરવા તેમજ રાજીનામાં લેવાની પણ ઉગ્ર માગણી કરી છે.


  • Follow us on: