ગુજરાતમાં ધોરણ 1થી 8ની સરકારી શાળાઓમાં તથા 6 વર્ષથી નીચેની વયના બાળકો માટે ચાલતી બાલવાટિકાઓમાં બપોરનું ભોજન આપવા ચાલતી મધ્યાહ્ન ભોજન યોજના ઉર્ફ પ્રધાનમંત્રી પોષણ યોજનામાં રસોયા-કમ-હેલ્પરોને મહિને માત્ર રૂ.2,500 મહેનતાણું ચૂકવાય છે, જે રકમ દેશના બીજા મોટા રાજ્યોમાં ચૂકવાતા વેતનના પ્રમાણમાં ઘણી જ ઓછી છે.
લોકસભામાં સોમવારે રજૂ થયેલી માહિતી મુજબ રાજ્યમાં રસોયા-કમ- હેલ્પરોને મહિને કુલ રૂ. 3,000નું મહેનતાણું ચૂકવાતું હોવાના જે આંકડા રજૂ થયા છે તે સદંતર ગેરમાર્ગે દોરનારા હોવાનું આ યોજના સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે. પીએમ પોષણ યોજનાના રસોયા- કમ- હેલ્પરોને દેશમાં સૌથી વધુ (રૂ.23 હજારનું મહિને ) મહેનતાણું કેરળમાં અપાય છે, તામિલનાડુમાં સ્લેબવાઇઝ રૂ. 7,200થી 24 હજાર અપાય છે. ભાજપ શાસિત હરિયાણા, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુજરાત કરતાં ઘણુ વધુ વેતન ચૂકવાય છે. હરિયાણામાં રૂ. 13 હજાર, હિમાચલપ્રદેશમાં રૂ. 6 હજાર, મધ્યપ્રદેશમાં અને ઉત્તરપ્રદેશમાં રૂ.3 હજાર વેતન ચૂકવાય છે. જો કે ભાજપ શાસિત બીજા બે રાજ્યો મહારાષ્ટ્રમાં રૂ. 2 હજાર અને રાજસ્થાનમાં રૂ. 2,484 ચૂકવાય છે. ગુજરાતમાં ધોરણ 1થી 8ની 33 હજારથી વધુ શાળાઓના કુલ 48,65,118 બાળકોને તથા આ શાળાઓમાં ચાલતી બાલવાટિકાઓના કુલ 3,47,300 જેટલા બાળકોને મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મળે છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા બાલવાટિકાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં બે પ્રકારનો સ્ટાફ છે, જે પૈકી 28 હજાર જેટલા સંચાલકો છે, જેમને મહિને રૂ.3 હજાર અને 68 હજાર જેટલા રસોયા-કમ- હેલ્પરોને રૂ. 2,500 વેતન ચૂકવાય છે. રસોયા-કમ-હેલ્પરને મળતા માસિક મહેનતાણા પેટે ગુજરાત સરકાર રૂ.1,900 અને કેન્દ્ર સરકાર રૂ. 600 ખર્ચ ભોગવે છે, જ્યારે સંચાલકને મળતા માસિક વેતન પેટે ગુજરાત સરકાર રૂ. 2,400 અને કેન્દ્ર સરકાર રૂ. 600 ખર્ચ ભોગવે છે. આ સૂત્રો કહે છે કે, દેશના અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં રસોયા- કમ- હેલ્પરોનું તથા સંચાલકોનું વેતન ઘણું ઓછું હોઈ રાજ્ય સરકાર સમક્ષ વારંવાર વેતન વધારાની માગ કરાઈ છે.










