જો તમે લોન ઉપર ગાડી અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે કંપનીના માથાભારે કાર સીઝરો તમારા પર પણ હુમલાઓ કરી શકે છે અને તમારો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. આવો જ એક બનાવ બે દિવસ પહેલા અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં બન્યો હતો. જ્યાં કાર સીઝરોએ કારના બાકી હપ્તાની ઉઘરાણીમાં એક યુવક પર હુમલો કર્યો હતો અને તેની બે ગાડીઓમાં તોડફોડ કરી હતી, જે મામલે પોલીસે ગુનો નોંધી બે સીઝરોની ધરપકડ કરી છે.


[[$googlead]]

કાર માલિક નવીન નાયક પર હુમલો કરી ગાડીઓમાં તોડફોડ કરી હતી

અમદાવાદની આનંદ નગર પોલીસની કસ્ટડીમાં રહેલા બંને આરોપીઓના નામ ઘેમર રબારી અને દિલીપ રાવલ છે. જે ઝડપાયેલા આરોપીમાંથી દિલીપ રાવલ આર જે બ્રધર્સ કંપનીના સીઝર તરીકે કામ કરે છે. જે રિકવરી કંપની ચોલા મંડલમ ફાઈનાન્સનું પણ રિકવરીનું કામ કરતી હોય, કંપનીમાંથી લોન પર ગાડી લેનાર નવીન નાયકની ગાડીના હપ્તા બાકી હોવાથી બે દિવસ પહેલા આનંદ નગરના હરણ સર્કલ પાસે નવીન નાયક પર હુમલો કરી ગાડીઓમાં તોડફોડ કરી હતી. મહત્વનું છે કે આરોપી દિલીપ રાવલની સાથે તેના મિત્ર ઘેમર રબારી ઉપરાંત નાગજી રબારી, અંકિત તિવારી તથા અન્ય આરોપીઓએ ભેગા મળી હુમલો કર્યો હતો. જેમાં બે ગાડીઓના કાચ તોડી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે આનંદ નગર પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.

[[$alsoread]]

ફરાર 3 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી

જો ઘટના પર નજર કરીએ તો ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઈ ફરિયાદી નવીન નાયકે કાર ખરીદી હતી. તેના હપ્તા બાકી હોવાથી સીઝર દિલીપ રાવલ ગાડીની વોચમાં હતો. તે સમયે આનંદ નગરના હરણ સર્કલ પાસેથી ગાડી પસાર થતા તેને રોકી આરોપીએ બોલાચાલી કરી ગાડી કબજે લેવાની વાતચીત કરી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થતા નવીન અને દિલીપે પોતાના મિત્રોને બોલાવ્યા હતા, જ્યાં છુટા હાથની મારામારી થતા મામલો વણસ્યો હતો. જેમાં નવીનને ઈજા પહોંચતા તેની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપીના ગુનાહિત ઈતિહાસ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સીઝરોની હિંસાત્મક પ્રવૃત્તિ અટકે તે માટે પણ કંપનીને જાણ કરી કાયદાકીય પ્રવૃતિ હાથ ધરી છે.

  • Follow us on: