અમદાવાદ CPએ ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું હતુ અને ત્યારબાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેમનું કહેવું છે કે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ડ્રાઇવ હતી અને ડ્રાઇવમાં કુલ 198 બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે, માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસની સતત નજર આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર રહી છે.
માર્ચમાં પણ 12 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા : CP અમદાવાદ
પોલીસ કમિશનરનું કહેવું છે કે, આ ડ્રાઈવ દરમિયાન અમદાવાદમાંથી કુલ 210 બાંગ્લાદેશીઓને પકડયા છે, જેમાં લલ્લુ બિહારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, બાંગ્લાદેશીઓ માટેની ડ્રાઇવનો પ્રથમ ફેસ પૂર્ણ થયો છે, પોલીસ કમિશનરનું કહેવું છે કે, હવે AMC કહેશે તો ફરી એક વખત ડ્રાઇવ કરીશું, અને વર્ષ 2009માં પણ 95 બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ઝડપ્યા હતા.
અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરાવનાર પણ ઝડપાયો છે
અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને શરણ આપનાર લલ્લા બિહારીને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના આકા ગણાતા લલ્લાને પોલીસે ધોળે દહાડે તારા બતાવી દીધા છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ફરાર થયેલો લલ્લા ઉત્તર પ્રદેશ ભાગવાનો હતો. તે પહેલા તે રાજસ્થાનમાં જઈને છુપાયો હતો. તેને પકડવા માટે પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ હતી. રાજસ્થાનથી પકડાયા બાદ તેને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. ચંડોળામાં આખુ સામ્રાજ્ય ઉભુ કરનાર લલ્લા બિહારીની પોલીસે બરાબરની સરભરા કરી હતી. પોલીસની સર્વિસને કારણે તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી.









