અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને શરણ આપનાર લલ્લા બિહારીને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના આકા ગણાતા લલ્લાને પોલીસે ધોળે દહાડે તારા બતાવી દીધા છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ફરાર થયેલો લલ્લા ઉત્તર પ્રદેશ ભાગવાનો હતો. તે પહેલા તે રાજસ્થાનમાં જઈને છુપાયો હતો. તેને પકડવા માટે પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ હતી. રાજસ્થાનથી પકડાયા બાદ તેને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. ચંડોળામાં આખુ સામ્રાજ્ય ઉભુ કરનાર લલ્લા બિહારીની પોલીસે બરાબરની સરભરા કરી હતી. પોલીસની સર્વિસને કારણે તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી.
ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ તૈયાર કર્યું
પોલીસે ખુલાસો કરતાં કહ્યું હતું કે, લલ્લા અને તેના પુત્ર સહિત ચાર એજન્ટો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આ એજન્ટો બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા છે. બાંગ્લાદેશથી અમદાવાદ આવીને રહેવા માટે એક રકમ નક્કી કરવામાં આવતી હતી. લલ્લા 22 હજાર સુધીમાં સેટિંગ કરતો હતો. પોલીસને તપાસમાં મળેલા સાત બેંક એકાઉન્ટ ક્રાઈમ બ્રાંચે ફ્રિઝ કરી દીધા છે. તેણે ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ તૈયાર કર્યું હતું. જ્યાં એક રાત ગાડી મુકવાના 125 રૂપિયા લેતો હતો. આ ઉપરાંત લોન નહીં ભરનારા લોકોના જપ્ત થયેલા વાહનો પણ આ પાર્કિંગમાં મુકવામાં આવતા હતાં.
કડિયા કામ કરતો હોવાથી તેનું નામ બિહારી પડ્યું
બાંગ્લાદેશથી આવેલા લોકો પાસે મજૂરી કામ કરાવતો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતો હોવાનું પણ પોલીસે કહ્યું હતું. આ ઉપરાંત ભાડા કરાર અને આધારકાર્ડ પણ કાઢી આપતો હતો. આ દસ્તાવેજો બનાવવા માટે તે કેટલાક નેતાઓના લેટરપેડનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત વીજ કનેક્શન અપાવવા માટે 1500 રૂપિયા વસૂલતો હતો. લલ્લા પાસે પાંચ અલગ અલગ મકાનમાં ચાર પત્નીઓ રહેતી હતી. લલ્લાને કૂલ 9 સંતાનો છે. તે કડિયા કામ કરતો હોવાથી તેનું નામ બિહારી પડ્યું હતું.









