અમદાવાદમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢ્યા બાદ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ત્યારે ટુ વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ અને ફોર વ્હીલર ચાલકોના સીટ બેલ્ટ, વીમો, પીયુસી સહિતના કાગળ ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં એક યુવકને 10,00,500 રૂપિયાનો ઈ મેમો મળ્યો છે.
ઈ-મેમોની ભૂલ સુધારવા યુવક પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યો
તમને જણાવી દઈએ કે હેલ્મેટ વિના વાહન ચલાવતા યુવકને એસ.પી.રીંગ રોડ પર શાંતિપુરા ક્રોસ રોડ જંક્શનના પોલીસકર્મીએ ઓનલાઈન ઈ-મેમો આપ્યો હતો. હેલ્મેટ ન પહેરવા બદલ યુવકને ઈ-મેમો આપવામાં આવ્યો હતો. ત્યારે ભૂલ ભરેલા ઈ-મેમોની ભૂલ સુધારવા માટે યુવક કમિશનર કચેરી પહોંચ્યો અને કમિશનર કચેરીના પોલીસકર્મીએ યુવકને દિલાસો આપ્યો છે.
3 દિવસમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા 112 લોકો સામે FIR દાખલ
અમદાવાદ ટ્રાફિક પોલીસે તારીખ 21થી 23 માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ત્રણ દિવસમાં 112 લોકો સામે FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં શહેરમાં અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. જેથી ટ્રાફિક પોલીસે અવાર નવાર ડ્રાઈવ યોજીને વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતા. પરંતુ તેમ છતાં વાહન ચાલકો નિયમનું પાલન કરવાના બદલે વધારે નિયમો તોડતા જોવા મળ્યા છે. જેથી હાઈકોર્ટના આદેશ બાદ હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં સગીરો સર્જી રહ્યા છે અકસ્માત!
હાલમાં જ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 15 વર્ષની સગીરા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જે અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું, સગીરો દ્વારા વાહન ચલાવીને વારંવાર અકસ્માત કરવામાં આવી રહ્યા હોય તેવી બાબત સામે આવી છે, આંકડાકીય વાત કરવામાં આવે તો વર્ષ 2023માં સગીરો દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યા હોય તેવા 23 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં 25 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા.









