વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં ₹82,950 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમન પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં કેબિનેટ મંત્રીઓ એરપોર્ટ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ એરપોર્ટથી લઈને વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું છે.
વડાપ્રધાન કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. 26 અને 27 મે, 2025 દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 26મી તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે 27મી મેના રોજ તેઓ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
માતાના મઢ ખાતે મંદિર પરિસરનો વિકાસ કરાશે
વડાપ્રધાનના હસ્તે જામનગરમાં 220/66 કે.વી. બાબરઝર સબસ્ટેશન, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં 66 કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો, મોરબીમાં 11 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી, કચ્છ જિલ્લાના મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, જામનગર જિલ્લાના બાબરઝરમાં 210 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ જેવા ઘણાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે
વડાપ્રધાનના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ±800 કે.વી. HVDC પ્રોજેક્ટ, ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની 7 GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ, મહિસાગરમાં કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના 60 મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશન, કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઇ સ્પીડ કોરિડોર, કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને 6 લેન માર્ગોમાં સુધારો, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.









