ગ્રામપંચાયત વિસ્તારમાં ગૌચર અને ગામતળના દબાણો દૂર કરવામાં નબળી કામગીરી હોવાનું સામે આવ્યું છે.
દબાણો દૂર કરવાની પ્રાથમિક જવાબદારી હકીકતે ગ્રામપંચાયતની રહે છે. જો આ દબાણો દૂર ના થાય તો જંત્રીના દર મુજબ દબાણ હેઠળની જમીનનું ભાડું તથા દંડની વસુલાત કરવાની રહે છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં ગૌચરની 275 હેક્ટર ચોમી વિસ્તારમાં અને ગામતળની 561 હેક્ટર ચોમી વિસ્તારમાં દબાણ થયેલું છે. દબાણો દૂર કરવા અને કોઈપણ જગ્યાએ દબાણ ના થયા તથા દબાણની પ્રવૃત્તિને ઉત્તેજન ન મળે તે માટે ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 105(2) મુજબ દબાણો દૂર કરવાની પ્રાથમિક જવાબદારી જે તે ગ્રામપંચાયતની - સરપંચની રહે છે. જો આ દબાણ દૂર ના થાય તો પંચાયત અધિનિયમ-268 અન્વયે અથવા સરકારના મહેસૂલ વિભાગના 18-4-2011ના ઠરાવ મુજબ જંત્રીના દર મુજબ જમીનનું ભાડું વસુલવાની કાર્યવાહી કરવાની થાય. ભાડું અને દંડ બંનેની વસુલાત દબાણકર્તા પાસેથી કરવાની થાય. આૃર્યની વાત તો એ છે કે, વિધાનસભા અહેવાલનો સૂચિત ફકરો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ સચિવ અને ગ્રામ વિકાસ કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ 31 જાન્યુઆરી 2024 સુધી તેનો જવાબ રજુ થયો નથી. વર્ષ 2017-18ના વર્ષ માટેનો જિલ્લા - તાલુકા પંચાયતોના ઓડિટ અહેવાલમાં આ બાબતની નોંધ લેવામાં આવી છે. દબાણોના મામલે ગ્રામપંચાયતો હંમેશા ઉંઘતી રહી છે. જેના કારણે ગૌચર અને ગામતળની કિંમતી જમીનો પર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. કેટલાક દબાણો તો વર્ષો જૂના થઈ ગયા છે. પાકા દબાણો થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.