પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બિહાર ખાતે યોજાનારા રાષ્ટ્રીય કિસાન સન્માન સમારોહ દરમિયાન દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19 મો હપ્તો રિલીઝ કરવામાં આવશે.
જે અનુસંધાને ગાંધીનગર ખાતે તા. 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાશે.. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે. PM-KISAN યોજનાના 19માં હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 22,000 કરોડથી વધુની સહાય વિતરણ કરાશે. જે પૈકી ગુજરાતના આશરે 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,148 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરાશે. રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે કૃષિ ભવન-ગાંધીનગર ખાતે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ નવીન કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટરનું ઇ-લોકાર્પણ તેમજ રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ થશે. આ ઉપરાંત સમારોહ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને વિવિધ કૃષિ એવોર્ડ મેળવેલ ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાશે આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ કિસાન સન્માન સમારોહનું ગ્રામ્ય વિસ્તારો અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે આયોજન કરાયુ છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.










