નવા નરોડા ના સ્મશાન ગૃહથી સધી માતાના મંદિર જવાના માર્ગ પર છેલ્લા ચાર મહિનાથી ખોદાયેલા રોડનું કામ પૂરૂ નહીં થતાં લોકોમાં ભારે વિરોધ છે. મુખ્ય રોડના એક ભાગને ખોદી કાઢતા વારંવાર નાના અકસ્માત સર્જાય છે. મ્યુનિ. કોર્પોરેશનની લાપરવાહીના લીધે કમોસમી વરસાદમાં લોકોને ભારે હાલાકી પડી હતી. તંત્રના બે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, સમયસર મહાનગરપાલિકાના વેરાઓ અને કર ચૂકવીને નાગરિક તરીકેની જવાબદારી અદા કરી રહેલા આ વિસ્તારના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પણ સુવિધાઓ પણ તંત્ર આપી શકતું નથી. ખોદેલો રસ્તો છેલ્લા ચારેક માસથી ખોદીને મૂકી દેવાયો છે. પરંતુ પાકો રોડ બનાવવામાં આવતો નથી. જેના કારણે કમોસમી વરસાદમાં આસપાસની સોસાયટીના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. સોસાયટીઓના વચ્ચોવચ આવેલો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો. તેવામાં નવો રસ્તો બનાવવા માટે તંત્રએ ચારેક માસ પહેલા આ રસ્તાને એક તરફ્ ખોદી કાઢયો હતો. જોકે છેલ્લા ચાર માસથી કોઈપણ પ્રકારનું કામકાજ કરવામાં આવતું નહતું. જેના લીધે ખાડામાંથી સોસાયટીના રહીશોને પોતાના વાહનો સાથે જોખમી રીતે પસાર થવું પડે છે.










