- મોડી રાત સુધી લોકોએ ફૂલ, તોરણ લાઈટિંગથી સજાવટ કરી
- લોકો કેસરી ઝંડા, રામ અને હનુમાનના ફોટાવાળી ધજાઓ ખરીદતા જોવા મળ્યા
- સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ થશે
આવતીકાલ સોમવારે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઈને સમગ્ર અમદાવાદમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળ્યો છે. સમગ્ર શહેર રામમય બની ગયું છે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીના કારણે વેપારીઓને તડાકો પડયો છે. મહોત્સવના આગલા દિવસે રવિવારે બાળકો હોય કે મોટા સૌ કોઈ રામમય બનીને આ ઉત્સવને ઉજવવાની તૈયારીઓમાં મચી પડયા છે. શહેરની સોસાયટીઓ, ઘરો, ઓફ્સિોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે. શહેરમાં ફ્રી દિવાળી આવી હોય તેવો માહોલ જામ્યો છે. સોસાયટીઓ, પોળ વિસ્તારમાં લોકો ભેગા થઈને તોરણ અને પ્રસાદી બનાવી છે. લોકોએ પોતાના વાહનોમાં રામ, હનુમાનની ધજા અને કેસરી ઝંડા લગાવ્યા છે. જયશ્રી રામના સતત નારા સંભળાઈ રહ્યા છે.
આવતીકાલે બપોર સુધી રજાનો માહોલ હોવાના કારણે લોકો ઘેર રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળશે. સોસાયટી, ફ્લેટ, ટેનામેન્ટ, બંગલા, મહોલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવવા આયોજન થયા છે. બપોરે પ્રતિષ્ઠા વખતે આરતી, પૂજા, અર્ચના કરવામાં આવશે. પ્રસાદી વિતરણ કરવામાં આવશે. સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ વગેરેના આયોજન થયા છે.










