પૂર્વ ઝોનમાં આવેલા રામોલ ગામ વડુ તળાવમાં ગેરકાયદે AMC ગટરનું પાણી છોડતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. તેમજ અન્ય કેમિકલના પાણી તળાવમાં ભળી જવાના કારણે તીવ્ર દુર્ગંધ રામોલ આસપાસ તથા રિંગરોડ પર ફેલાતા રહીશો અને વાહનચાલકો પરેશાન થયા છે. આ અંગે સ્થાનિકો દ્વારા તળાવનું પાણી તાકીદે ખાલી કરવા માગ ઉઠી છે.
પૂર્વ વિસ્તારમાં તળાવો વિકસાવવા AMC કરોડો રૂપિયાની બજેટમાં જાહેરાત કરતી હોય છે. પરંતુ કરોડો રૂપિયા ફક્ત કાગળ પર વપરાતા હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા તળાવોની દશા બદ્તર હાલતમાં મળતી હોય છે. જ્યારે રામોલ ગામ વડુ તળાવમાં પાણી ગંદું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે ગટરનું પાણી છોડતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, અને કેમિકલના પાણી આ તળાવમાં ભળી જતા રિંગરોડ ઉપરથી એકતા નગર સુધી તળાવમાં ગંદા પાણીથી દુર્ગંધ મારતા આસપાસના રહીશો અને વાહનચાલકો પરેશાન થયા છે.










